રાજકોટ: રાજકોટ શહેરમાં સી.આર. પાટીલ સાથે આવેલા ભાજપના નેતા ભરત બોઘરાએ બાબા બાગેશ્વરને લઈને પ્રતિક્રિયા આપી છે. આ ટૂંકી મુલાકાતમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર સનાતન ધર્મના પ્રચારક છે. અંધશ્રદ્ધા સાથે સરખામણી અયોગ્ય છે. લોકસભાની ચૂંટણી 2024માં છે. પ્રજા કોંગ્રેસને આ ચૂંટણીમાં યોગ્ય જવાબ દેશે. પ્રદેશ અધ્યક્ષ પાટીલે રાજકોટમાં યોજાનારા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યાલયની મુલાકાત કરી હતી. જ્યાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી. એક ખાનગી કંપનીના લૉન્ચિગ ફંક્શન પર બન્ને નેતાઓ રાજકોટ આવ્યા હતા.
બાબા બાગેશ્વર સનાતન ધર્મના પ્રચારક હોય તેમનું રાજકોટમાં સ્વાગત છે. બાબાની સનાતન ધર્મ અંગેની વાતોને અંધશ્રદ્ધા સાથે સરખાવવી યોગ્ય નથી. કોંગ્રેસના લોકો ગામેગામ જેનું મંદિર છે, તેવા ભગવાન રામ માટે પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે. કોઈ સનાતન ધર્મની વાત કરે ત્યારે તે ભાજપનું માર્કેટિંગ છે તેમ કહેવાની કોંગ્રેસને આદત પડી ચૂકી છે.---ભરત બોઘરા (ભાજપ નેતા)
કોંગ્રેસે આવું કેમ ન કર્યુંઃ કોરોનાના કપરા સમયમાં વેક્સિન લેવાનો ઈન્કાર કરનારા સામે બોલવાની કોંગ્રેસે શા માટે હિંમત કરી નહોંતી? ચોક્કસપણે ભાજપ પક્ષ સનાતન ધર્મને માને છે. અને તેની સાથે રહેશે. કોંગ્રેસની આંખમાં કમળો હોવાથી તેને બધું પીળું-પીળું જ દેખાય છે. પણ આવનારી 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રજા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.
જૂથવાનો મુદ્દોઃ રા-લો સંઘના વાઇસ ચેરમેન અરજણ રૈયાણીના રાજીનામામાં કોઈ જૂથવાદનું નહીં, પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો. રાજકોટની ભાગોળે આવેલ વાંકાનેર નજીક ખાનગી કંપનીના ફૂલ્લી ઓટોમેટિક ફેક્ટરીના પ્લાન્ટનું નિર્માણ થયું છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્લાન્ટમાં 2000 કરતાં વધુ લોકોને રોજગાર આપવામાં આવી છે.