રાજકોટ: સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના રાજમાર્ગો પાણી પાણી થયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. તેવામાં રાજકોટ કોર્પોરેશન તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું. જોકે ભારે વરસાદને પગલે હજુ સુધી કોઈ મોટી જાનહાની સર્જાઈ ના હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર સાબદુ બન્યું છે.
શાળા કોલેજોમાં રજાઓ જાહેર: બીપોર જોય વાવાઝોડાને લઈને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગત તારીખ 15 અને 16 એમ બે દિવસની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે જિલ્લા કલેકટર દ્વારા 17 તારીખના રોજ પણ શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
યુનિવર્સિટીમાં રજાઃ આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ યુનિવર્સિટીને સંલગ્ન કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓનું હિત જોખમાઈ નહીં, આ સાથે જ કોર્પોરેશન તંત્ર દ્વારા રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક ઝુ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આજી-2 ડેમ ભરાઈ ગયો: બીજી તરફ રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા 1.5 ફુટે ખોલવામાં આવ્યા હતા. હવે જે વધારીને 14 દરવાજા 1.5 ફુટ 8 કલાકે ખોલવામાં આવશે. ડેમમાં 2200 ક્યુસેકના પ્રવાહની આવક છે અને ડેમમાંથી 2200 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટઃ જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને હાલની સપાટી 68 મીટર છે આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.