- ફાયર સેફ્ટી અંગે નોટીસ મળ્યા બાદ ફાયર NOC નહીં મેળવનારી હોસ્પિટલને સીલ કરાશે
- રાજકોટ મનપાએ ફાયર સેફ્ટી બાબતે કડક વલણ અપનાવ્યું
- NOC મેળવવા માટે આપ્યો 15 દિવસનો સમય
રાજકોટ : RMCના હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ્સ પૈકી જે હોસ્પિટલ્સ પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) મેળવવામાં આવ્યું નથી, ફાયર NOC મેળવેલા હોય અને ફાયર ખાતા તરફથી ફાયર સિસ્ટમ કાર્યરત કરવા બાબતે નોટીસ ઇસ્યુ કરવામાં આવી હોય તેવી તમામ હોસ્પિટલ્સને 15 દિવસમાં ફાયર ખાતા પાસેથી ફાયર NOC મેળવી લેવા સૂચના આપવામાં આવી છે. તેમજ જો આ કામગીરી તાત્કાલિક નહીં કરવામાં આવે તો રાજકોટ મનપા દ્વારા આગામી દિવસોમાં આવી હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલ માલિક/મેનેજમેન્ટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
મનપા દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે કે, NOC સર્ટિફિકેટ સક્ષમ મનપા પાસે મેળવવામાં નહીં આવે તો હોસ્પિટલ માલિક/મેનેજમેન્ટ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જે જે હોસ્પિટલ્સને નોટીસ આપવામાં આવી છે. તેવી હોસ્પિટલ્સને અચૂક ફાયર NOC મેળવી લેવાનું રહેશે. હાલ આ હોસ્પિટલ્સમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે, તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહીં. તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે ત્યાં સુધીમાં હોસ્પિટલ્સે ફાયર NOC મેળવી લેવાનું રહેશે. અન્યથા ત્યારબાદ આવી હોસ્પિટલ્સ સીલ કરી દેવામાં આવશે.
ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવી જરૂરી
મ્યુનિસિપલ કમિશનરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ફાયર NOC મેળવેલી હોય અને ફાયર સિસ્ટમ બાબતે હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી નહીં હોય તેમજ હોસ્પિટલની ફાયર સિસ્ટમ કાર્યરત રાખવામાં આવશે નહીં અને કોઈ આગ/જાનહાનિ કે હોનારત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલ માલિક/મેનેજમેન્ટની રહેશે. હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે સ્ટેરકેશ તથા બિલ્ડિંગનો અન્ય ભાગ ફાયર એક્ટની જોગવાઈ મુજબ વેન્ટિનલેટેડ રાખવાનો રહેશે.
NOC ન ધરાવતી હોસ્પિટલ્સની યાદી જાહેર કરાઇ
રાજકોટ શહેરમાં ફાયર NOC ન ધરાવતી હોસ્પિટલ્સની યાદી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.rmc.gov.in પર મૂકવામાં આવેલી છે. સૂચના મળ્યા બાદ જે હોસ્પિટલ્સમાં ફાયર NOC મેળવેલું હશે નહીં તેવી હોસ્પિટલ્સમાં નવા દર્દીને દાખલ કરી શકાશે નહીં, તેમ પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.