રાજકોટઃ 'દેને કો ટુકડા ભલા, લેને કો હરી કા નામ" સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામબાપાનું નીજ મંદિર 200 વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહ્યું ન હતું. પરંતુ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા પોણા ત્રણ મહિના પૂર્વે લોકડાઉન જાહેર કરતા દેશભરના મંદિરોને લોકદર્શનાર્થે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે અનલોક-1માં 8 જૂનથી મંદિરો નિયમોને આધીન શ્રદ્ધાળુઓ માટે ખોલવાની છૂટ આપી હતી. જેમાં ગત સોમવારેથી ઘણા મંદિરો લોકદર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
પરંતુ વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની તૈયારીઓ કરવા માટે શ્રદ્ધાળુઓ માટે 15 જૂનથી મંગળ મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ રઘુરામબાપા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં અવિરત નામ દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર રહેલ સંત શ્રી જલારામ બાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને લઈને જલારામ મંદીરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાના આદેશ અનુસાર સોમવારથી મંગલ મંદિરના દ્વાર ખુલ્યા હતા. જેમાં વીરપુર ગામવાસીઓની લાગણીને માન આપી રઘુરામબાપા દ્વારા રવિવારના રોજ ફક્ત વીરપુરવાસીઓ માટે મંગલ મંદિરના દ્વાર ખુલ્લા મુક્યા હતા અને સોમવારથી તમામ શ્રદ્ધાળુઓ માટે દ્વાર ખુલ્લા મૂકાશે.
જેમાં સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
પૂજ્ય બાપાના દર્શન સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ થઈ શકશે અને 10 વર્ષથી નીચેની વયના બાળકો તેમજ 60 વર્ષથી ઉપરની વયના વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને મદિરમાં પ્રવેશ નહિ મળી શકે.
ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડ લાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ પણ રહેશે તેમજ લોકોએ પોતાના બુટ-ચપ્પલ અને મોબાઈલ વગેરે વસ્તુ મંદિરની બહાર મૂકીને દર્શન માટે આવવાનું રહેશે.