રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ કોઠારીયા રોડ પર એક તબીબ યુવતીનું અકસ્માત દરમિયાન મોત થયું હતું. જેને પગલે રાજકોટ ટ્રાફિક પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પોલીસ દ્વારા આજે એક સાથે 19 કેટલા ટ્રક ડિટેઈન કરવાની કાર્યવાહી હાથધરી છે. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પુર ઝડપે દોડતા ભારે વાહનો ટ્રકો મામલે ડ્રાઇવ યોજી હતી.
ટ્રક ચાલકોમાં ફફડાટ: જેમાં એક સાથે 19 જેટલા ટ્રકોને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ તમામ ટ્રકોને શીતલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે. તેમજ આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. એવામાં ટ્રાફિક પોલીસ દ્વારા એકાએક ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરતા ટ્રક ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
"રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકો માટે ગતિ નિયંત્રણના નિયમો બનાવ્યા છે તેમ છતાં વધુ ઝડપના કારણે અકસ્માતની ઘટના સર્જાય છે. ત્યારે રાજકોટના કોઠારીયા રોડ પર એક તબીબ યુવતીનું પણ ટ્રક અકસ્માતે મૃત્યુ થયુ હતું. જેને લઇને રાજકોટ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હતી. આવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાસ ડ્રાઇવ કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 19જેટલા ટ્રકો માત્ર એક જ દિવસમાં ડિટેઈન કરવામાં આવ્યા હતા"-- જેબી ગઢવી (ટ્રાફિક એસીપી રાજકોટ)
ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી: ટ્રાફિક એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહીની ડ્રાઇવ ભવિષ્યમાં પણ શરૂ રહેશે. જેના કારણે રાજકોટમાં ભારે વાહનોથી થતા અકસ્માતો પર રોક લગાવી શકાય છે. તેમજ રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ તેમજ ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેમજ રાજકોટમાં વાહનોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. એવામાં રાજકોટમાં ભારે વાહનોના કારણે જતા લોકોના જીવ અટકાવવા માટે અને તેમની વિરૂદ્ધ કાર્યવાહી માટે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.