રાજકોટ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ 15 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ થયા હતા. જે બાદ તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા 48 કલાકથી અભય ભારદ્વાજને ફેફસાની તકલીફના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ મામલાની જાણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને થતા તેમણે અમદાવાદથી ખાસ ત્રણ ડોકટર્સની ટીમ સાથે રાજકોટના જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહને સ્પેશિયલ વિમાન મારફતે રાજકોટમાં સાંસદ અભય ભારદ્વાજની સારવાર માટે મોકલ્યા હતા. શિક્ષણ પ્રધાન અને ડોકટરની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જવા રવાના થયા હતા.
અમદાવાદથી ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ અને ડૉ. આનંદ શુક્લ હવે ભારદ્વાજની વધુ સારવાર રાજકોટમાં કરશે. આ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી છે. મુખ્યપ્રધાન દ્વારા અભય ભારદ્વાજની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સાંસદની સારવાર માટે નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ રાજકોટ મોકલવામાં આવી છે. જો કે, ભૂપેન્દ્રસિંહે ભારદ્વાજની તબિયત કેવી છે તે અંગે હાલ ખુલાસો કર્યો નહતો, પરંતુ જણાવ્યું હતું કે, આ ડોક્ટરનો તપાસનો વિષય છે.