પોરબંદર: હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મ વિશે બનેલી ફિલ્મ 'મોહમ્મદ ધ મેસેન્જર ઓફ ગોડ'ને આગામી 21 જુલાઈના રોજ ડિજિટલ મીડિયા પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે જેનો સુન્ની મુસ્લિમોના ગઢ સમા પોરબંદર ખાતે શહેરની 32 જમાતોની બનેલી સંસ્થા સુન્ની અંજુમન ઇસ્લામ દ્વારા સખત વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ સંગઠનના સભ્યો દ્વારા અધિક કલેક્ટર તન્ના સાહેબને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વહીવટદાર હાજી શબ્બીરભાઈ હામદાણીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2015 માં ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર, નબી, હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના જન્મને દર્શાવતી ફિલ્મ "મોહમ્મદ ધ મેસેન્જર ઓફ ગોડ" બની હતી. જેને ભારતમાં પ્રદર્શિત કરવાના પ્રયત્નો થતા આ ફિલ્મનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર ડોન સિનેમા (ડી. એમ. ટી.- ડિજિટલ મૂવી થિયેટર) દ્વારા ફિલ્મ 21 જુલાઇના રોજ દર્શાવવામાં આવશે. જેનો અમે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી રહ્યા છીએ."
વધુમાં તેમણે જણાવ્યું કે, "ઇસ્લામ ધર્મના કોઈ પણ સંત, પયગંબર, ઓલિયાનું સચિત્રિકરણ કરવું એ ઇસ્લામના નિયમોની વિરુદ્ધ છે. કોઈપણ સામાન્ય અભિનેતા ઇસ્લામ ધર્મના મહાન નબીના તેમજ માતા પિતાના પાત્ર ભજવે તેમાં ઇસ્લામ ધર્મ પાળતા લોકોની લાગણી દુભાય છે. આથી અમારી ધાર્મિક લાગણીને માન આપી આ ફિલ્મનું પ્રદર્શન ડિજિટલ મીડિયા પર રોકવામાં આવે તેમજ ડોન સિનેમા જેવા સસ્તી પબ્લિસિટી મેળવવા ઇચ્છતી ડિજિટલ ચેનલ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે તેવી અમે માગ કરીએ છીએ."
સુન્ની અંજુમન ઇસ્લામ તરફથી આવેદનપત્ર આપવા માટે વહીવટદાર હાજી શબ્બીરભાઈ હામદાણી, પૂર્વ ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ સંઘાર, પૂર્વ સેક્રેટરી આરીફભાઈ સુર્યા,પૂર્વ ઉપપ્રમુખ ફિરોઝ ખાન પઠાણ, હાસમભાઇ લાંગા, દિલાવરભાઈ જોખીયા, યુનુસ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અધિક કલેક્ટર તન્નાએ પણ આવેદનપત્ર સ્વીકારી ગાંધીભૂમિ પોરબંદરના મુસ્લિમ સમાજની લાગણી ભારત સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.