રાજકોટ: છેલ્લા 10 દિવસથી રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો જોવા મળી રહ્યો છે. શહેરની ભાગોળે આવેલા વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મૂંજકા તેમજ કણકોટ અને કૃષ્ણનગર વિસ્તારમાં આ દીપડો દેખાયો હોવાની સ્થાનિકોમાં ખૂબ ચર્ચા જોવા મળી રહી છે. દીપડો હોવાની માહિતી મળતાં વન વિભાગ પણ એલર્ટ થયું છે. કૃષ્ણનગર નજીક દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે.
સ્થાનિકોમાં ફફડાટ: રાજકોટ શહેર અને જિલ્લામાં દીપડાની દહેશતને પગલે વન વિભાગના અધિકારીઓએ પણ દીપડાની શોધખોળમાં લાગ્યા છે. પરંતુ ઘટનાના 10 દિવસ થયા છતાં પણ હજુ પણ દીપડો પાંજરે પુરાયો નથી. ઉલ્લેખનીય છે કે આ દીપડા દ્વારા હજુ સુધી કોઈ માનવ ઉપર હુમલો કર્યો નથી પરંતુ રાજકોટની ભાગોળે જાહેરમાં જ દીપડો ફરી રહ્યો હોવાની વાત સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ વિરાણીએ જણાવ્યું કે આ ઘટના ગઈકાલની છે. જેમાં અંદાજિત ચાર પાંચ વાગ્યાની આસપાસ દીપડો કૃષ્ણનગર વિસ્તારમાં આરામ કરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લાલભાઈએ આ દીપડાને જોયો હતો. જેઓ દીપડાને જોઈને તરત ભાગ્યા હતા અને આ તમામ માહિતી ગ્રામજનોને આપી હતી. ત્યારબાદ વન વિભાગ અને પોલીસ અધિકારીઓની ટીમ અહીં આવી હતી. હાલ આ દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે. ગઈકાલથી વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ દીપડો હજુ સુધી હાથમાં આવ્યો નથી. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દીપડાની શોધખોળ: રાજકોટના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી દીપડો જોવા મળી રહ્યો છે. જે જે વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો છે તેની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગની ટીમને કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી. એવામાં વન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી કૃષ્ણનગર વિસ્તારમાં પાંજરું મુકવામાં આવ્યું છે. આ અગાઉ દીપડો શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા, કણકોટ, વાગુદળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દેખાયો હતો. જ્યારે હવે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગની ટીમ દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.