રાજકોટ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટના જુના મોરબી રોડ પર રેલવે ક્રોસિંગ નજીક એક ટાયટના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ છવાયો હતો. એવામાં આગ લાગવાના બનાવને પગલે ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે કારખાનામાં આગ લાગવાના કારણે અંદર રહેલો માલ મોટા પ્રમાણમાં બળીને ખાખ થઈ ગયો હતો.
આગનું કારણ અકબંધ : મોરબી રોડ પર ટાયરના કારખાનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનિય છે કે રેલવે ક્રોસિંગ નજીક કારખાનામાં આગની ઘટના બનતા રેલવે વિભાગ પણ એલર્ટ થયું હતું. પરંતુ હાલ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવામાં આવતા આસપાસના વિસ્તારવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે કારખાનામાં અત્યાર સુધીમાં કેટલું નુકશાન થયું છે તેનો પણ કોઈ ચોક્કસ આંક હજુ સુધી સામે આવ્યો નથી.