રાજકોટ: રાજકોટમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક અનોખી કરિયાવર પ્રથા સામે આવી છે. જેમાં દિકરીએ પિતા પાસે લગ્નમાં સોનુ, ચાંદી, ઝવેરાત કે નાણાંની માંગણી નથી કરી, પરંતુ પુસ્તકોની માગ કરી હતી, જ્યારે દિકરીના પિતાએ તેના આ પુસ્તકોની માગને પૂર્ણ કરી હતી. એક ગાડુ ભરીને દિકરીને પુસ્તકો ભેટમાં આપ્યા હતા. ભારતમાં હજૂ ઘણા સમાજમાં દિકરીને પરણાવતા સમયે કરિયાવર આપવાની પરંપરા જોવા મળે છે.
રાજકોટમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ જાડેજાએ પોતાની દિકરીને કરિયાવરમાં ગાડું ભરીને પુસ્તકો આપ્યા છે. દિકરી કિન્નરીબાએ પિતા પાસે પોતાના ભારોભાર પુસ્તકો માગ્યા હતા. જેને લઈને પિતાએ દિકરીની આ ઈચ્છા પૂર્ણ કરવા ભારતભરમાંથી અલગ અલગ સ્થળોએથી પુસ્તકો એકત્ર કરીને અંદાજીત 2400 જેટલા પુસ્તકો અપર્ણ કર્યા હતા.
હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલના યુગમાં લોકો સોના, ચાંદી અને રૂપિયા હોય તેવી જગ્યાએ દિકરીને પરણાવે છે, એ ન થવું જોઈએ. જ્યારે દિકરી અંગે હરદેવસિંહે જણાવ્યું હતું કે, મારી દિકરીને નાનપણથી જ વાંચનનો શોખ હતો, તેને પાંચ વર્ષથી અત્યાર સુધી જેટલા પુસ્તક મળ્યા અથવા મેં આપ્યા છે, તે તમામ સાંભળીને રાખ્યા છે. ઘરમાં જ દિકરીએ 500 જેટલા પુસ્તકોની એક અલગ જ લાઈબ્રેરી બનાવી છે. હરદેવસિંહે દિકરીને આપવામાં આવેલા પુસ્તકોમાં ભારતનો ઇતિહાસથી માંડી મહાભારત, વિષ્ણુપુરાણ તેમજ અલગ અલગ હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકો જે તેની દિકરી પાસે ન હોય તેવા પુસ્તકો તેને કરિયાવરમાં આપ્યા છે. તેમજ દિકરીને જેટલા પુસ્તક વાંચવા હશે, તેટલા તે સાસરીમાં સાથે લઈ જશે અને બાકીના પુસ્તકો જરૂરીયાત મંદ સ્કૂલના બાળકોને આપવાનો નિર્ણય કરવા આવ્યો છે.