- થેલેસેમિયાના બાળકને લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો
- બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારજનોમાં ચિંતાનું માહોલ
- શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત
રાજકોટ : જૂનાગઢમાં થેલેસેમિયાના બાળકને લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ એક 14 વર્ષના બાળકને લોહી ચડાવ્યા બાદ HIVનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, સિવિલ હોસ્પિટલમાં લોહી ચડાવવાના કારણે બાળકને HIVનો ચેપ લાગ્યો છે.
બ્લડ રિપોર્ટ કરાવતા આવ્યો HIV પોઝિટિવ
14 વર્ષના બાળકને થેલેસેમિયાની ગંભીર બીમારી હોવાથી તેને વર્ષોથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી લોહી ચડાવવામાં આવે છે. ત્યારે મે 2020 એટલે કે ગત વર્ષે આ બાળકને HIVનો ચેપ લાગ્યો ન હતો. પરંતુ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં આ બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારજનોમાં ચિંતાનું માહોલ સર્જાયો છે. જોકે, પરિવારજનો તેમજ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલના તંત્ર પર HIV ગ્રસ્ત લોહી ચડાવવાના કારણે તેને ચેપ લાગવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની HIV ચેપ મુદ્દે મુખ્ય ત્રણ માંગ
રાજકોટ શહેર કોંગ્રેસે માગ કરી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના જે બાળકોને ચડાવવામાં આવે છે. તેમજ આ 14 વર્ષીય બાળક સાથે પણ જે બાળકોને લોહી ચઢાવવામાં આવ્યું છે. તે તમામનો HIV ટેસ્ટ થવો જોઈએ. આ સાથે સરકારે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. તેમજ હવેથી થેલેસેમિયાના બાળકોને લોહી ચડાવતા પહેલા તે બ્લડનું ટેસ્ટ પણ યોગ્ય રીતે થવું જોઈએ. કોંગ્રેસ પોતાની ત્રણ માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી.