રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. એવામાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના 10 જેટલા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને કેટલું નુકસાન થયું છે તેને લઈને કામગીરી કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું છે કે 95 ટકા પાકની લણણી થઈ ગઈ છે. હાલ માત્ર જિલ્લામાં 5 ટકા પાક જ ખેતરમાં ઉભો છે.
છેલ્લા બે દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ: રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત સામે આવી હતી. જેને લઈને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી તાત્કાલિક અલગ અલગ ગામોની મુલાકાતે દોડી ગયા હતા. જે દરમિયાન સામે આવ્યું છે કે હાલ રવિ પાકની સિઝન પૂર્ણતાનારે છે અને ખેતરમાં વાવવામાં આવેલ 95 ટકા જેટલો પાક ઉપાડી લેવામાં આવ્યો છે. માત્ર 5% જેટલો જ પાક ખેતરોમાં ઉભો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ઘઉં જોવા મળી રહ્યા છે. આ કમોસમી મોસમી વરસાદના કારણે ઘઉંને મોટા પ્રમાણમાં નુકસાની થવાની ભીતિ હોતી નથી.
આ પણ વાંચો Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ
કોઈ પણ પ્રકારનું નુકશાન નહિ: આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના શિયાળુ પાકો મુખ્યત્વે ધાણા, જીરુ,ચણા અને ઘઉં છે. એવામાં હાલ કમોસમી વરસાદના સમયે 95 ટકા પાકો એટલે કે સવા બે લાખ હેકટર જેવા પાકોની લણણી થઈ ગઈ છે. જ્યારે હાલમાં થોડા ઘણા ખેતરમાં પાકો ઊભા છે. જેમાં મુખ્યત્વે ઘઉંનો સમાવેશ થાય છે. એવામાં ઘઉંને કમોસમી વરસાદથી નુકસાની થતી નથી અને માત્ર ધાણા અને જીરુંમાં ક્વોલિટીમાં 5%નો ફેર પડે છે બાકી ઉત્પાદનમાં ખરેખરમાં કોઈ પણ પ્રકારની નુકસાની હજુ સુધી સામે આવી નથી.
આ પણ વાંચો Unseasonal Rain: કમોસમી વરસાદ ખેડૂતો માટે બન્યો વિલન, હવે સરકાર પાસે આશા
નુકશાન થયું હશે તો સરકારને જાણ કરાશે: જ્યારે નુકસાનીની વાત કરવામાં આવે તો જે ખેડૂતોના પાક હાલમાં ખેતરમાં ઊભા છે તે કમોસમી વરસાદમાં પલળી જવાના કારણે તેના ભાવ ઓછા મળે તેવી શક્યતાઓ છે. ઉત્પાદનમાં લઈને કોઈપણ પ્રકારનો ફેર કમોસમી વરસાદથી પડશે નહીં. જિલ્લા પંચાયતના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા ગ્રામ સેવકો મારફતે જે તે ગામમાં જ્યાં નુકસાનીની વાત સામે આવી રહી છે તે ગામમાં અમે સર્વે શરૂ કરાવ્યો છે. તેમજ આગામી દિવસોમાં સર્વે બાદ ખરેખર નુકશાની થઈ હશે તો આ અંગે સરકારમાં જાણ કરવામાં આવશે.