- રામેશ્વર શરાફી મંડળી દ્વારા 4200 લોકોનું ફુલેકુ ફેરવાયું
- ભક્તિનગર પોલીસ દ્વારા મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરની ધરપકડ
- ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા
રાજકોટઃ રાજકોટમાં રામેશ્વર શરાફી મંડળી દ્વારા 4200 લોકોના અંદાજીત રૂપિયા 60 કરોડનું ફુલેકુ ફેરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા મંડળીના ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ ભક્તિનગગર પોલીસ દ્વારા ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટમાં ઈસમો વિરુદ્ધ ઊંડાણપૂર્વક તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
ત્રણેય ઇસમોના કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજુર
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજયભાઈ હંસરાજભાઈ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ રતી વસોયા વિરુદ્ધ મંડળીના થાપણદારો તેમજ રોકાણકારોની 60 કરોડ રૂપિયા જેટલી રકમની છેતરપિંડી કરી ઉચાપત કરવામાં આવી હતી. જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બાદમા કોર્ટ દ્વારા આ ત્રણેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
રિમાન્ડ બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા
હાલ રાજકોટમાં રામેશ્વર શરાફી મંડળી દ્વારા અંદાજીત રૂપિયા 60 કરોડનું ફુલેકુ ફેરવામાં આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા તાત્કાલિક પોલીસે મંડળીના સંચાલકોની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. હવે પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપીઓની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરવામાં આવશે. જેમાં આરોપીઓએ આ નાણાંનું શુ કર્યું અને ખરેખરમાં કેટલા લોકોના નાણાં ફસાયા છે એ તમામ વિગતો બહાર આવશે.