રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા મામલે હવે FIR નોંધાયા બાદ જબરો ગરમાવો આવ્યો છે. આ મામલે આજે એચએન શુક્લા કોલેજના સંચાલક અને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી અને યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ કર્યા છે. આ મામલે માનહાની અને બદનક્ષીનો દાવો કરવાની જાહેરાત કરી છે. આ કેસમાં ઇન્ચાર્જ કુલપતિ દ્વારા તેમના પર લગાવામાં આવેલ આક્ષેપોને નકાર્યા છે.
કરોડોનો દાવો: આ અંગે એચએન શુકલા કોલેજના સંચાલક અને ભાજપ કોર્પોરેટ નેહલ શુક્લ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ઇન્ચાર્જ કુલપતિ પર ગંભીર આક્ષેપ કરાયા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ કુલપતિ દ્વારા હજુ સુધી સિન્ડિકેટ સભ્યોની ચૂંટણી નથી કરાઈ. તેમની મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ નથી. જેના કારણે તેઓ અમારી કોલેજને અને અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જેને આ પ્રકરણની કઈ ખબર જ નથી. પોલીસ ફરિયાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા અમારી કોલેજના નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. જે અમારા માટે ખુબ મોટી બદનામી છે. જેના કારણે રજિસ્ટ્રાર વિરુદ્ધ રૂપિયા 5 કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવશે. જ્યારે કુલપતિ વિરુદ્ધ રૂપિયા 6 કરોડનો બદનક્ષીનો દાવો કરાશે..
તપાસ કરાઈ: જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી દ્વારા તેમના પર લગાવવામાં આવેલ આક્ષેપોને ફગાવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે બદનક્ષીને લઈને જે નિર્ણય સમય આવશે લેવાનો થશે તે લઈશું. FSL દ્વારા દ્વારા દરેક મુદ્દે તપાસ બાદ જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરિયાદ થઈ છે. જ્યારે તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગેની સાબિતી આપે. જોકે, પેપર ફૂટવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશન સુધી આ પડઘા પડ્યા છે. જેને લઈને ફરી એકવખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોની વિદ્યાપીઠ હોવાનું પુરવાર થયું છે.