- રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો
- રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સારો એવો વરસાદ
- રાજકોટમાં સિઝનનો 51 ઈંચ જેટલો વરસાદ પડ્યો
રાજકોટઃ રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે. જેને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સારો એવો વરસાદ થયો છે. ચાલુ વર્ષના સિઝનની વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાજકોટમાં સિઝનનો 51 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. એવામાં રાજકોટ શહેર અને જિલ્લામાં સારો વરસાદ થતાં શહેરને પાણી પુરુ પાડતાં ભાદર, આજી અને ન્યારી ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે. જ્યારે ત્રણેય ડેમો ઓવરફ્લો પણ થઇ ગયા છે. શહેર અને જિલ્લામાં સારા વરસાદને પગલે આગામી દિવસોમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો: નર્મદાના 9 દરવાજાઓ ખોલવામાં આવ્યા, કરજણ ડેમ ઓવરફ્લો
શ્રાવણ માસ દરમિયાન સર્જાઈ હતી પાણીની સમસ્યા
રાજ્યમાં આ વર્ષે ચોમાસુ પાછું ખેંચતા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ માસ દરમિયાન જ પાણીની સમસ્યા સર્જાવાની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે પીવાના પાણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌની યોજના મારફતે રાજ્ય સરકાર પાસે નર્મદાના નીર માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ ભાદર ડેમમાં પણ પાણીના સ્તર ઘટી ગયા હતા. એવામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું કે પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખવો તે પણ પ્રશ્નો સામે આવ્યો હતો. જોકે ભાદરવા મહિનામાં સારો વરસાદ થતાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. જેને લઇને આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યાઓ ટળી છે.
ચાલુ વર્ષે શહેરમાં સિઝનનો 132 ટકા વરસાદ નોંધાયો
ભાદરવા મહિનામાં આખો મહિનો વરસાદી વાતાવરણ જોવા મળતા અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં સિઝનનો 132 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગઈકાલે રાતે જ રાજકોટ શહેરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ અગાઉ પણ રાજકોટ શહેરમાં 12થી 15ઇંચ જેટલો વરસાદ અલગ-અલગ વિસ્તારમાં ખાબક્યો હતો. આમ ભારે વરસાદ આવવાને પગલે રાજકોટની પીવાના પાણી પૂરું પાડતાં જળસ્ત્રોતોમાં પણ નવા નીરની આવક નોંધાઇ હતી. જ્યારે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: ગણદેવીના દેવધા ડેમના ધસમસતા પાણીમાં કાર સાથે યુવાન ફસાયો
શહેરમાં પીવાના પાણીની સમસ્યા દૂર: મનપા કમિશ્નર
સારા વરસાદને પગલે રાજકોટ મનપાના કમીશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સારો વરસાદ વરસતા આજી, ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો પહોંચી ચૂક્યો છે. ન્યારી 30 એપ્રિલ 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો પહોંચી ચૂક્યો છે. જ્યારે ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. જેને લઈને આગામી દિવસોમાં પાણીની સમસ્યા રાજકોટમાં નહિ સર્જાય.