- ગોંડલ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- ગોંડલમાં એક અઠવાડિયામાં કોરોનાથી 40ના મોત
- સ્મશાનગૃહોમાં જોવા મળી રહ્યા છે કરુણ દ્રશ્યો
રાજકોટ: ગોંડલમાં કોરોનાનો કાળો કેર જોવા મળી રહ્યો છે. ગોંડલમાં એક અઠવાડિયામાં કોરોનાથી 40 લોકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ગોંડલ શહેર માતમમાં ફેરવાયું છે. શહેરની ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પગ મૂકવાની પણ જગ્યા મળી રહી નથી. લોકો મોતના ભયથી ફફડી રહ્યા છે. કોરોનાની સારવાર કરી રહેલા ખાનગી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ પણ સંક્રમિત થઈ ગયા છે.
રવિવારે મૃત્યુ પામેલા દર્દીઓની યાદી
મુક્તેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત મુક્તિધામ ખાતે કોરોનાથી મૃત્યુ પામેલા ફરામરોજ હોરમસજી મારોલીયા પારસી (ઉં.વ. 83), મગનભાઈ રણછોડભાઈ રૂપાપરા (ઉં.વ. 51), કિરણબેન પ્રકાશભાઈ સાટોડીયા (ઉં.વ. 36), હિંમતલાલ કરમશીભાઈ ભેંસદડીયા (ઉ.વ.72), કાંતાબેન ભીખુભાઇ દેવગણીયા (ઉં.વ. 82) તેમજ ઇન્દુબા ધર્મેન્દ્રસિંહ હાડા (ઉં.વ. 55)ના અગ્નિસંસ્કાર કરવાની સાથે કોરોનાથી મૃત્યુનો આંક 40ને પાર થઈ જવા પામ્યો છે.
ગોંડલ APMC આગામી 7 દિવસ માટે રહેશે બંધ
ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગોંડલ માર્કેટ યાર્ડ 7 દિવસ બંધ રાખવાનો નિર્ણય માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં તમામ જણસીની આવક તેમજ હરાજી 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતો, કમિશન એજન્ટો તેમજ વાહન માલિકોને યાર્ડમાં માલ લઈને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.