યોગ દિવસ વ્યવસ્થિત અને સુચારૂ રીતે યોજાઇ તે માટે નોડલ અધિકારી તથા યોગ નિદર્શન ટ્રેનરોની નિયુક્તી કરવામાં આવી છે. માસ્ટર ટ્રેનરો લોકોને ટ્રેનિંગ આપી શકે તે માટે તારીખ 7 જૂનથી 14 જૂન સુધી બિરલા ફેકટરી પાસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિક મકવાણાનાં માર્ગદર્શન હેઠળ 76 માસ્ટર ટ્રેનરોને તાલીમ આપવામાં આવી હતી.
આ 76 માસ્ટર ટ્રેનરોને ફાળવેલા કેન્દ્રોમાં તારીખ 20 જૂન સુધી જાહેર જનતા માટે સવારે 6 થી 8 કલાક સુધી યોગ અભ્યાસની તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 21 જૂનના રોજ સવારે 6 કલાકે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ નાગરીકો સહભાગી બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે 22 જૂન સુધી દરિયાકિનારા પર ન જવાનો વહીવટી તંત્ર દ્વારા જ પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેમ છતાં 21 જૂનના રોજ દરિયા કિનારે યોગ દિવસ ઉજવણી જાહેર કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
જયારે આ બાબતે નાયબ કલેકટર એમ એચ જોશી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચોપાટી પર આવેલ હજુર પેલેસ પાછળના વિસ્તારમાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવાંમાં આવે છે પરંતુ, આ વર્ષે વાવાઝોડાની અસરના કારણે આ સ્થળની મુલાકાત લીધી હતી અને હવામાન વિભાગની માહિતી મુજબ જો 21 તારીખે વાતાવરણમાં સામાન્ય સ્થિતિ હશે તો આ સ્થળે જ યોગ દિવસની ઉજવણી કરશે. વાતાવરણમાં કોઈ બદલાવ આવશે તો એ બાબત અંગે વિચારણા કરી યોગ્ય ઉપાય કાઢવાં આવશે.