પોરબંદરઃ શહેરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે હકીકત મળેલી હતી કે, છાયા જમાતખાના પાસે રહેતો અશોકસિંહ રણુભા ચુડાસમા ચોરી કરેલી મોટરસાયકલો પોતાના મકાનમાં છુપાવી રાખેલી છે. જેથી પોલીસ સ્ટાફે તેના મકાને જઇ તપાસ કરતા અશોકસિંહ હાજર હતો અને મકાનમાંથી ત્રણ મોટરસાયકલો નંબર પ્લેટ વગરના મળી આવતા તેના એન્જિન નંબર અને ચેસીસ નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરતા ત્રણેય મોટરસાયકલના માલિકોના જુદા જુદા નામ સરનામાં આવેલા હતા.
આ બાબતે અશોકસિંહ કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોવાથી ત્રણેય મોટર સાયકલ ચોરીથી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ત્રણેય મોટરસાયકલો એકની કિંમત રૂપિયા 25000 લેખે ત્રણેયની કિંમત રૂપિયા 75000 ગણી પોલીસે કબ્જે કરી આરોપીની ઉંડાણપૂર્વક પ્રાથમિક પૂછપરછ કરતા તેણે આ મોટરસાયકલો ચોપાટી અને કનકાઇ મંદિર આસપાસથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
આમ ચોરાયેલી ત્રણ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો. જેથી આરોપી સામે આગળની કાર્યવાહી કરવા તેને કોવિડ 19 ટેસ્ટ માટે ભાવસીંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે મોકલી આપી પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વી.એસ.આગઠ, પો.હેડ.કોન્સ જે.આર.કટારા, બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ વગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલા હતા.