પોરબંદર જિલ્લાને ખંભાડા અને ફોદાળા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાના કારણે બંને ડેમ તળિયા ઝાટક છે. પીવાના પાણી માટે ઠેરઠેર લોકોને જવું પડે છે અને મિયાણીથી લઈ માધવપુર સુધીના વિસ્તારમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય છે. ત્યારે પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામે 15 દિવસથી પીવાનું પાણી ન મળતાં લોકો રોષે ભરાયા છે.
આ બાબતે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી કહ્યુ કે, રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગની નૈતિક જવાબદારી કે, તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને પંદર પંદર દિવસ સુધી પાણી આપવામાં ન આવે તે ખૂબ જ ગંભીર બાબત છે. તેથી રામદેવ મોઢવાડિયાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો આગામી બે દિવસમાં મોઢવાડા ગામને પાણી નહીં આપવામાં આવે તો પાણી પુરવઠા બોર્ડની કચેરી સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી પાણી પુરવઠા બોર્ડ અને રાજ્ય સરકારની રહેશે.