હવામાન ખાતાએ “વાયુ” વાવાઝોડાની આગાહી કરેલી અને તેની અસર પોરબંદર જિલ્લામાં થશે તેવી ચેતવણી પણ મળેલી હતી. જેથી જિલ્લા વહિવટી તંત્ર શરૂઆતથી જ સતર્ક અને ખડેપગે થઇ ગયુ હતું. પોરબંદરમાં ઘેડ વિસ્તાર તેમજ જંગલ વિસ્તારના નેશ સહિતનાં દૂરનાં ગામડાઓ આવેલા છે. જેને દરિયો નજીક હોવાથી વાવાઝોડાની અસર વધુ રહે છે. આવા સમયે લોકોનાં સ્થળાંતરની સાથે-સાથે સગર્ભા મહિલાઓનો કઇ મુશ્કેલી ના પડે તે માટે તકેદારી લેવામાં આવી હતી. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાએ વાવાઝોડાનાં સંદર્ભમાં આગોતરા આયોજનના ભાગરૂપે 15 દિવસની અંદર થનાર પ્રસુતિવાળી 153 સગર્ભા બહેનોની યાદી તૈયાર કરી યાદી મુજબ તમામ સગર્ભા બહેનોનુ ચેકીંગ કરી આરોગ્ય ચકાસણી કરી તે પૈકીની 13 જેટલી બહેનોને સંસ્થાકીય પ્રસુતિ થાય અને અન્ય કોઇ આડ અસર ન થાય તે માટે સરકારી હોસ્પિટલે સુરક્ષિત રિફર કરાયા છે.
આરોગ્ય વિભાગ દ્રારા તારિખ 12 જૂનનાં રોજ કુલ 10 અને તારિખ 13 જૂનનાં રોજ કુલ 11 સગર્ભા બહેનોની સંસ્થાકીય પ્રસુતિ કરાવેલ જિલ્લાનાં વિવિધ પ્રાથમિક કેન્દ્રો દ્રારા વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગોતરી તૈયારી કરી સગર્ભા બહેનોને હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 સગર્ભા બહેનોની પ્રસુતિ થયેલ છે જે તમામ બહેનો તથા તેમના શીશુની હાલત સ્વસ્થ છે.
તમામ કામગીરી પર જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સતત દેખરેખ રાખી વાવાઝોડા જેવી વિકટ પરિસ્થિતિમાં સગર્ભા માતાનો જીવ બચાવીને દર્દી અને તેના પરિવારને રાહતનો શ્વાસ લેવામાં મદદગાર થયુ હતું.