- કેન્દ્રિય પ્રધાન દેવુસિંહ ચૌહાણે લીધી પોરબંદરની મુલાકાત
- કેન્દ્રિય પ્રધાને પોરબંદરમાં વિદ્યાર્થી કાળના સમયને કર્યો યાદ
- કેન્દ્રિય પ્રધાને મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની પણ લીધી મુલાકાત
પોરબંદરઃ રાજ્ય કક્ષાના સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ આજે પોરબંદર આવી પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. સાથે જ તેઓ ચોપાટીની મુલાકાત લીધા પછી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, દેવુસિંહ ચૌહાણે પોરબંદરમાં સરકારી પોલિટેક્નિક કોલેજમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. તે તેમણે આજે પોતાના વિદ્યાર્થી કાળને યાદ કર્યો હતો.
કેન્દ્રિય પ્રધાન દેવુસિંહે પોરબંદરની કોલેજમાં કર્યો હતો અભ્યાસ
દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર, 1964ના ખેડાના નવા ગામમાં થયો હતો. તેમણે પોરબંદરમાં સરકારી પોલિટેકનિક કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. સાથે જ પોરબંદરના જૂના મિત્રો સાથે સંસ્મરણ તાજા કર્યા હતા. તેમણે વર્ષ 1989થી 2002 સુધી ઓલ ઇન્ડિયા રેડિયો (AIR)માં એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. અત્યારે દેવુસિંહ ચૌહાણ ખેડા (લોકસભા મતવિસ્તાર), ગુજરાતમાંથી 16મી લોકસભાના સાંસદ છે.
દેવુસિંહ બાબુ બોખિરિયા સહિતના આગેવાનોને મળ્યા
વર્ષ 2014માં દેવુસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી. અત્યારે તેઓ કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના સંચાર પ્રધાન છે .આ ઉપરાંત તેમણે પોરબંદર ચોપાટીની પણ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં ધારાસભ્ય બાબુ બોખિરિયા સહિત ભાજપ જિલ્લા પ્રમુખ અને ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી અને દ્વારિકા જવા રવાના થયા હતા.
આ પણ વાંચોઃ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની લીધી મુલાકાત