પોરબંદરઃ જિલ્લાના મેમણવાડામાં ત્રણ શ્વાનને બે શખ્સોએ ક્રૂરતા પુર્વક માર માર્યો હતો, જેથી બે શ્વાનના મોત થયા હતા. પોરબંદર શહેરમાં થોડા દિવસો પહેલા એક શખ્સે શ્વાનને બેફામ માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, તેમજ તેના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, ત્યારે ગુરૂવારો ફરી એક વાર શ્વાનને માર મારવાનો કિસ્સો સામે આવ્યો હતો.
મેમણવાડા વિસ્તારમાં બે શખ્સોએ લકડી બંદરના પુલ નજીક બેરહમીપૂર્વક લોખંડના પાઇપ વડે ત્રણ શ્વાનોને માર માર્યો હતો, જેમાંથી બે શ્વાનના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ એક મહિલાને થઈ હતી. જેથી મહિલાએ ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલના નેહલ કારાવદરાને જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી.
ઘટના સ્થળે તપાસ કરતા બે શ્વાન મૃત્યુ પામ્યા હતા જ્યારે એક શ્વાનને કરૂણા એનિમલ હેલ્પલાઇનમાં કોલ કરતા સારવાર આપવામાં આવી હતી. બન્ને શખ્સો મુર્તુજા ઇબ્રાહિમ સંઘાર અને ફિરોઝ ઇસ્માઇલ શેરવાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમના વીરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી.