- જૂનાગઢ સક્કરબાગમાં લાવવામાં આવેલ બે બાળ સિંહના મોત
- ત્રણેય સિંહબાળ તંદુરસ્ત હોવા છતાં મોત નિપજતા કારણ શંકાસ્પદ
- બે બાળ સિંહના મોતથી વનવિભાગ તંત્ર સહિત લોકોમા ગમગીની
પોરબંદર : સિંહોની પ્રજાતિને બચાવવા અને તેમનું જતન અને સંવર્ધન કરવા માટે જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લઇ આવ્યા હતાં. જ્યાં 25 નવેમ્બરના રોજ એવન નામના સિંહ અને એક માદા સિંહણના સંવનનથી માદા સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. પરંતુ સિંહણ સંભાળ ન લઇ શકતા આ સિંહબાળને જૂનાગઢ સક્કરબાગ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં આજે બે સિંહ બાળના મોત નીપજ્યા હતા. આ બાબતથી વનવિભાગ તંત્ર સહિત લોકોમા ગમગીની છવાઈ છે.
જૂનાગઢ સક્કરબાગ ખાતે બે સિંહ બાળના મોત
પોરબંદરના બરડા અભ્યારણમાં લાયન જિન પુલ ખાતે 25 નવેમ્બરના રોજ બપોરે 12 થી 1 વચ્ચે જન્મેલા ત્રણે સિંહ બાળ પર તથા માદા સિંહણ પર સતત નજર રાખતા વેટરનરી તબીબ અને વનવિભાગના સ્ટાફ દ્વારા માલુમ પડ્યું હતું કે, માદા સિંહણ પ્રથમ વખત જ સિંહ બાળને જન્મ આપતા તેને તકેદારી કઈ રીતે લેવી તેની સમજ પડતી ન હતી. સામાન્ય રીતે બાળકનો જન્મ થતાં જ માતા તેની સાફ સફાઈ કરતી હોય છે અને ચાટી ને સાફ કરતી હોય છે. પરંતુ આ સિંહણ દ્વારા સિંહ બાળની કોઈ કાળજી ન લેવામાં આવતા ત્રણેય સિંહ બાળને જૂનાગઢ સક્કરબાગ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી આજે બે સિંહ બાળના મોત નિપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જ્યારે આ બાબતે પોરબંદર વનવિભાગના આધિકારીએ સિંહ બાળને લગતી માહિતી હજુ સુધી ન આવી હોવાનું જણાવી જૂનાગઢ સક્કરબાગમાંથી માહિતી મળી રહશે તેમ જણાવ્યું હતું.
અગાઉ પણ બે સિંહ બાળના મોત
બરડા અભ્યારણમાં આવેલા સાત વીરડા લાયન જિન પુલ ખાતે રાખવામાં આવેલા સરિતા નામની સિંહણે 21 ઓગસ્ટના 2019 ના રોજ ચાર સિંહ બાળનાઓને જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ માદા અને એક નર બાળ હતું. બચ્ચાને જન્મ આપ્યા બાદ 4 સિંહ બાળ પૈકી બે સિંહબાળ વધારે અશક્ત જણાતા ત્યારે વનવિભાગ દ્વારા સક્કરબાગ ઝુ વેટરનરી ઓફિસર દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં એક નર અને એક માદા સિંહ બાળનું મોત નીપજ્યું હતું.