પોરબંદરમાં શુક્રવારે 19 જેટલા પિલાણા નજીકના સમુદ્રમાં ફિશિંગ કરવા માટે ગયા હતા જેમાં દિનેશ સાગર નામનું પીલાણુ દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે ડૂબી ગયું હતું જેમાં સવાર બે ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે તો અન્ય એક પિલાણાના ખલાસીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. કુલ ત્રણ પિલાણા ભારે પવન અને વરસાદના કારણે દરિયામાં ગરકાવ થયા છે અને એક સાથે ત્રણ ખલાસીના મોત નીપજતા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હજુ પણ 9 જેટલા પિલાણા અને 45 જેટલા ખલાસીઓનો સંપર્ક થઇ શક્યો નથી તમામની શોધખોળ માટે કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી છે. ઈજાગ્રસ્ત થયેલ 6 ખલાસીઓને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખાતે ખસેડવામા આવ્યા છે. જ્યારે મૃત્યુ પામેલા ત્રણ માછીમારોના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બનાવના પગલે ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તેમજ બોટ એસોસીએશનના પ્રમુખ જીવનભાઈ જુંગી, ઉપપ્રમુખ વિશાલભાઈ મઢવી અને મંત્રી અશ્વિનભાઈ જુંગી ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ખારવા સમાજના આગેવાનો પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. માછીમારીની સીઝનનો હજુ વિધિવત પ્રારંભ થયો નથી ત્યારે હાલમાં વાતાવરણ ખરાબ હોવાથી અને હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારો દરિયો ખેડવા ન જાય તેવી વહીવટીતંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.