- બરડા ડુંગરમાં વસતા દિપડાઓ શિકારની શોધમાં
- માનવ વસાહત તરફ દિપડાઓ આવવાની ઘટનામાં વધારો
- વન વિભાગ દ્વારા દીપડોને પાંજરામાં કેદ કરી ફરી જંગલમાં છોડીયો
પોરબંદરઃ ગુજરાતના ગીર અને બરડા અભ્યારણ્યમાં અનેક શિકારી પશુઓ જોવા મળે છે. જેમાં સિંહ બાદ દીપડો હિંસક પશુ તરીકે મનાય છે. દીપડો એક સમયે દક્ષિણ એશિયા અને આફ્રિકામાં જોવા મળતો હતો પરંતુ શિકાર અને આવાસના કારણોસર હવે આ પ્રાણી સહારાના વિસ્તારોમાં ભારત પાકિસ્તાન અને ચીનમાં જોવા મળે છે. અને હવે પોરબંદરના બરડા વિસ્તારમાં પણ દીપડાઓ વસવાટની જણકારી મળી હતી. જે દિપડાઓ ઘણી વાર માનવ વસાહતોમાં પણ શિકારની શોધમાં આવી ચડતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી આ ઘટનામાં વધારો થતો જાય છે, ત્યારે રાણાવાવ વન વિભાગના ઓફિસરે જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ માનવને દીપડાએ રંજાડ કર્યું નથી.
દીપડાનો આતંક
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દીપડો રાત્રે શિકાર કરે છે અને ભારતમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. જેમાં ગુજરાતના ગીર અને બરડા વિસ્તારમાં વધુ જોવા મળે છે 2016ની ગણતરી મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા 1,395 નોંધાય છે. જેમાંથી જૂનાગઢમાં સૌથી વધુ 354 દીપડાઓની સંખ્યા નોંધાઈ હતી. જ્યારે પોરબંદરમાં દીપડાની સંખ્યા 16 નોંધાઈ હતી. હાલ અત્યારે 2020 સુધીમાં જોઈએ તો પોરબંદરના બરડા અભ્યારણ્યમાં અંદાજે 20 જેટલા દીપડાઓ હોવાની શક્યતાઓ વર્તાઇ છે.
દિપડા દ્વારા કરવામાં આવેલ મારણ
રાણાવાવના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કોડીયાતરના જણાવ્યા અનુસાર 2020 માં પોરબંદર રાણાવાવ તાલુકાના બરડા વિસ્તારમાં દિપડા દ્વારા 23 જેટલા મારણ કરવામાં આવ્યા છે. ઉપરાંત 2019ની સાલમાં દિપડાએ 40 જેટલા મારણ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં ગામડાઓમાં દીપડાઓ આવવાના બનાવમાં વન વિભાગ દ્વારા 13 દીપડાઓને પાંજરે પુરી ફરી જંગલમાં મૂકવામાં આવ્યા છે.
પોરબંદર વન વિભાગનું સુચન
પોરબંદરના વન વિભાગના અધિકારી દીપકભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં દિપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી અને વન વિભાગના કર્મચારી દ્વારા દીપડો છે કે, નહીં તે અંગે તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં પાંજરું મૂકવામાં આવે છે અને તેને જંગલમાં મુક્ત કરવામાં આવે છે.