- 2 એપ્રિલના રોજ યુવાને કોરોના વેક્સિન લીધી હતી
- 3 તારીખે તાવ આવતા રાણા કંડોરણા ખાતે દવા લીધી હતી પરંતુ કોરોના ટેસ્ટ કરાવ્યો ન હતો
- 5 તારીખે યુવાનના મોબાઈલમાં જામનગર હોસ્પિટલમાં દાખલ થવાનો મેસેજ આવ્યો
- કોરોના ટેસ્ટમાં છબરડા સામે આવતા લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા
પોરબંદર: રાણાવાવનાં બાપોદર ગામે રહેતા રામભાઈ લખમણભાઈ બાપોદરા નામના યુવાને આપેલી માહિતી મુજબ તેણે તા. 2 એપ્રિલનાં રોજ બાપોદર આરોગ્યના સબ સેન્ટર ખાતે કોરોનાની રસી લીધી હતી. જે બાદ તા. 3નાં રોજ તાવ જેવું જણાતા આ યુવાને રાણા કંડોરણા PHC સેન્ટર ખાતે દવા લીધી હતી અને ત્રણ દિવસની દવા લખી દેતા દવા લઇને પરત આવી ગયો હતો. જે બાદ તા. 4ના રોજ તેના મોબાઈલમાં એકાએક એવો મેસેજ આવ્યો હતો કે તેના સ્વોબનું સેમ્પલ લેવામાં આવ્યું છે. જે જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજ ખાતે મોકલાયું છે અને મેસેજમાં આઈસોલેટ થવા પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ક્રૂર કોરોના: સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ, 5 કલાકની સારવાર બાદ મોત
આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ આપી જવા ફોન આવવા લાગ્યા
જામનગર હોસ્પિટલમાં દાખલ થવાનો મેસેજ મળતા રામભાઈ તથા તેના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને તેઓએ રાણા કંડોરણા PHC ખાતે સંપર્ક કરતા સ્ટાફે તેને સેમ્પલ આપવા જણાવ્યું હતું. પરંતુ રામભાઈની તબિયત સારી હોવાથી તેણે ટેસ્ટ કરાવવા ઇન્કાર કર્યો હતો. તેમ છતાં ગઈકાલે સોમવારથી આરોગ્ય વિભાગ દ્વારા તેણે સેમ્પલ આપી જવા ફોન આવતા હોવાનું પણ રામભાઈએ જણાવ્યું હતું. આ છબરડાનાં કારણે ગ્રામ્ય પંથકમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે. આ અંગે DDO વી. કે. અડવાણીનો સંપર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે, સેમ્પલ આપ્યા વગર મેસેજ આવે તે શક્ય નથી. તેમ છતાં સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે.