પોરબંદર પાલિકા દ્વારા 5મી ઓગસ્ટ, 2017ના નગરપાલિકાની હદમાં વૃક્ષોનું વાવેતર કરવાનો કોન્ટ્રાક્ટ રાજકોટની હિન્દુસ્તાન પ્રોજેક્ટ નામની કંપનીને આપ્યો હતો. જેમાં પોરબંદર શહેરમાં ફૂટપાથ પર બંને સાઇડ વૃક્ષો વાવીને ટ્રીગાર્ડ લગાડી તેમને નિયમીત પાણી આપી જતન કરવાનો કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ જાતના 961 જેટલા વૃક્ષોનું માટી નાખી વાવેતર કરવાનું કામ તો શરૂ કરાયું, પરંતુ થોડા દિવસો બાદ વૃક્ષોની જાળવણી માટે કંપની દ્વારા કોઈ કાળજી લેવામાં આવી નહીં.
બાદમાં પાલિકાએ ૫૮.૪૫ લાખ જેવી માતબર રકમ આ કંપનીને આપી હતી, પરંતુ આ કંપનીએ પોતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી. આ વાતને લઈને પાલિકાની છેક હવે આંખ ઉઘડી છે તેમજ પગલાં ભરવાનું વિચાર્યું છે, ત્યારે મોટાભાગનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ થયો હોય તેવું પ્રતિત થાય છે. આમ આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે ફેલ ગયો હોય તેવું જ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. સમગ્ર પ્રક્રિયામાં બે વર્ષ લાગે તો જવાબદાર સામે શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.