- મુખ્યપ્રધાને ટ્વિટ કરી કોંગ્રેસે માછીમારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યાનું જણાવ્યું
- ફેઝ ટુ બાબતે કોઈ રાજકારણ ન કરવા માછીમાર સમાજે અગાઉ પણ કરી હતી અપીલ
- વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં સમર્થન અંગે કરાઈ ચર્ચા
- દરેક ચૂંટણીઓ પર ગુજરાત અને પોરબંદરના માછીમારોને લોલીપોપ આપો નહીં : મોઢવાડીયા
- માછીમારોએ ફરી આંદોલન શરૂ કર્યું
પોરબંદરઃ બંદરના વિકાસ માટે સરકાર દ્વારા પોરબંદરના બંદરથી 12 કિ.મી. દૂર કુછડી ગામ ખાતે નવું બંદર બનાવી મત્સ્યોદ્યોગને વેગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ માછીમારોએ આ વાતનો વિરોધ કરી બંદર પોતાના જૂના સ્થળને વિકસાવી નવું કરવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ ચાર વર્ષથી સરકાર અને માછીમારો વચ્ચે આ મામલે અવઢવ ચાલે છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કુછડીમાં બંદર બનશે તેવા આધિકારીક લેટર માછીમારોને મળતા માછીમારોએ ફરી આંદોલન શરૂ કર્યું છે.
અન્ય સાથે મળી સમાજને સમર્થન મળે તે માટે મિટિંગ મળી
પોરબંદરમાં માછીમાર સમાજે પંચાયત મઢી ખાતે સોની સમાજ, મુસ્લિમ સમાજ, વોહરા સમાજ, અને લોહાણા સમાજ વગેરેની ઉપસ્થિતીમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં નવા બંદર બનાવવા માટે કુછડી ગામમાં બનાવવાની જગ્યાએ જૂની માપલાવાળી જગ્યા એ જ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં સમર્થન આપવા જણાવ્યું હતું. તમામ સમાજના લોકોએ આ મુદ્દે સમર્થન જાહેર કર્યુ હતું અને માછીમાર સમાજે આ બાબતે રાજકારણ ન કરવા જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન રૂપાણીનું ટ્વીટ
આ મીંટિંગ ચાલતી હતી તે દરમ્યાન મુખ્ય પ્રધાન રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન માછીમારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. પોરબંદરના બંદર માટે માછીમાર સમાજની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી તેમજ તેઓને વિશ્વાસમાં લઇને જ રાજ્ય સરકાર નવા મત્સ્ય બંદરના સ્થળ અંગેનો નિર્ણય કરશે.
રૂપાણીના ટ્વીટનો મોઢવાડીયાએ ટ્વીટ કરી જવાબ આપ્યો
આ સમગ્ર બાબતે મુખ્ય પ્રધાન રૂપાણીના ટ્વિટના જવાબમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વિટમાં જવાબ આપ્યો હતો કે દરેક ચૂંટણી સમયે ગુજરાત અને પોરબંદરના માછીમારોને લોલીપોપ ન આપો. ભાજપની સરકાર હોવા છતાં 25 વર્ષથી સ્થળ પસંદગી નથી કરી શક્યાં, આમાં કોંગ્રેસે સમાજને ગેરમાર્ગે ક્યાં દોર્યા! તેમ ટ્વીટના જવાબમાં મોઢવાડીયાએ જણાવ્યું હતું.