પોરબંદર: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારકા-સોમનાથ હાઇવે પર કુછડી નજીક બનેલા ટોલનાકા દ્વારા જાહેર કરેલા ભાવો અને નિયમો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાહન ધારકો, ખેડૂતો, ખનીજ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉધોગ, ડેરી ઉદ્યોગ, શાળા કોલેજો, વાહનચાલકોને આર્થિક ફટકો આપનાર હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. જેથી કોંગ્રેસ દ્વારા પોરબંદર વાહનચાલકોને ફ્રી એન્ટ્રીની માગણી અને કૃષિ બિલના વિરોધમાં પાલખડાના કેશવ રોડ પાસે ટોલનાકા પર ધરણા યોજ્યા હતા.
આ ઉપરાંત કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડીયા જણાવ્યું કે, નેશનલ હાઈવેની ડિઝાઇનમાં ભૂલના કારણે નિયાણી, માધવપુર સુધીના અનેક ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનમાં વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકવાના કારણે ચોમાસા દરમ્યાન સમગ્ર ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. જરૂરી સ્થળોએ ઓવર બ્રિજ મૂકવાના હતા ત્યાં ઓવર બ્રિજ ન મુકવામાં આવતા કાયમી ધોરણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતા પોલીસે 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.