પોરબંદર: કુછડી ગામે અનેક સ્થળોએ ગેરકાયદેસર ખાણો ધમધમે છે. જેને ધ્યાને લઈને ફેબ્રુઆરી માસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુછડી ગામના ઉપસરપંચનું નામ સામે આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
15 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાઈ: ગત ફેબ્રુઆરી માસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 14 અને 15 ફેબ્રુઆરીના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 15 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાઈ હતી. સમગ્ર બાબતમાં SMC દ્વારા કુછડી ગામના ઉપસરપંચ નાગા ભીખુ કુછડિયા સહિત આઠ જેટલા ખાણ માલિક ઉપરાંત શ્રમિકો, ડ્રાઇવરો, ક્લીનરો અને લાઇનસ્ટોનની દલાલી કરનારા સહિત 52 જેટલા પક્ષો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઉપસરપંચની પણ તારીખ 9 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 15 દિવસનો જેલવાસ પણ થયો હતો. ત્યારબાદ 24 માર્ચના રોજ સેશન કોર્ટ દ્વારા જામીનમુક્ત કરાયો હતો.
ખનીજ ચોરીના ગુનામાં કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં ન આવે અથવા આ અંગે આખરી હુકમ ન થાય તે સમયગાળા સુધી કુછડી ગામના ઉપસરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ DDOએ કર્યો છે.