- ગ્રામ્ય વિસ્તારોમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી
- ITIના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરાઈ
- જિલ્લાનાં અનેક ગામડાઓનાં વિદ્યાર્થીઓ પોરબંદર શહેરમાં અભ્યાસ અર્થે આવે છે
પોરબંદર: રાજ્યમાં કોવિડ-19નાં કારણે દસ મહિનાથી વિદ્યાર્થીઓનું શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ હતું. હાલમાં જ શિક્ષણ પ્રધાન દ્વારા 12 જાન્યુઆરીથી ધોરણ 10,12 સહિત કોલેજનાં છેલ્લા વર્ષ માટે વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે પોરબંદરનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પોરબંદર શહેરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને બસનાં પાસ કઢાવવામાં તકલીફ ન પડે તે માટે પોરબંદર જિલ્લા એનએસયુઆઇ દ્વારા બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપીને વિદ્યાર્થીઓને વહેલી તકે અને સરળતાથી પાસ કાઢી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કરાઈ હતી રજૂઆત
પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા આજે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને પોરબંદર આવવા માટે પાસ સરળતાથી કાઢવામાં આવે તેવી માંગ સાથે ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે થોડા દિવસોમાં ITI પણ શરૂ થવાની છે. ત્યારે તેના વિદ્યાર્થીઓને પણ પાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવા પડે તે માટે સરળતાથી આ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ NSUIનાં પ્રમુખ કિશન રાઠોડ સહિતનાં કાર્યકરોએ કરી હતી.