પોરબંદર: જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી રાહત દરે ઘાસચારાનું વિતરણ કરવા અંગે માલધારીઓ દ્વારા કલેકટરને રજૂઆત કરાઇ હતી.
જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો છે. પોરબંદર અને ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હોવાને કારણે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થઈ છે. ખાસ કરીને ઘેડ પંથકમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થતા ખેડૂતોનો પાક નાશ પામ્યો છે.
માલધારીઓને ઘાસચારાની અછત સર્જાય છે. ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલી મગફળી સહિત ઘાસ ચારાના પાકનો પણ નાશ થયો હોય અને પશુપાલકો તેમજ માલધારીઓ પાસે સૂકા ઘાસચારાની પણ અછત હોવાના કારણે પશુપાલકોને પોતાના પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે. જેથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ અંગે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી અને લીલો દુષ્કાળ જાહેર કરી ગોડાઉનમાં પડેેલા ઘાસ ચારાનું રાહત દરે વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.