પોરબંદરમાં અનેક શાળાઓમાં સમય બદલતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. ફરીથી શાળાનો સમય સવારનો કરી આપવાની માંગ કરી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી કે બી જોષી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક સમય બદલાવ કરવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ગૃહકાર્ય કરવામાં અનેક મુશ્કેલી પડતી હોય અને સવારનો સમય અનુકૂળ આવતો હોવાથી તમામ વિદ્યાર્થીઓએ સવારનો સમય કરવા ઉગ્ર માંગ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કે વી મીયાણીએ જણાવ્યું હતું કે પોરબંદરની અનેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ આ બાબતે રજૂઆત કરી છે અને આ અંગે અમે ટ્રસ્ટીઓને જાણ કરવાની કાર્યવાહી પણ કરી છે. સોમવારથી શાળાનો સમય બદલવા અંગેની કાર્યવાહી કરવા પણ ટ્રસ્ટીઓને જાણ કરી છે.