પોરબંદર: સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કારણે ઠેર-ઠેર થતાં લોકોના મેળાવડા અને કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો રદ્ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે દર વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુરમાં માધવરાય અને રુક્મિણી વિવાહ પ્રસંગે યોજાતા ભાતીગળ મેળામાં અનેક લોકો આવે છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાના મેળો જોવા મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. જેના કારણે કોરોના રોગ ફેલાવાની વધુ શક્યતાઓ રહેતી હોવાના લીધે સરકાર દ્વારા અહીં કોઈપણ સરકારી કાર્યક્રમનું આયોજન અને કૃષ્ણ રુક્મિણી વિવાહની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
માધવપુરમાં દર વર્ષે રામનવમીના દિવસથી શ્રી કૃષ્ણ રુક્મિણી વિવાહ પ્રસંગ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે સાદાઈ પૂર્વક આ લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોના વાઇરસનો ફેલાવો ન થાય અને મોટી તારાજી ન સર્જાઈ તેનું ખાસ ધ્યાન માધવરાય મંદીર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું હતું અને સદાઇથી આ લગ્ન સંપન્ન થયા હતા.
ઉલ્લેખનીય છે કે, 121 વર્ષ પહેલા પણ 1 માર્ચ 1899ની સાલમાં પણ મરકી રોગનો ફેલાવો અટકાવવા માટે માધવપુરમાં યોજાતા મેળાને રદ કરવાનો નિર્ણય તથા સાદાઈથી લગ્ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જયારે 121 વર્ષ બાદ પણ આ સ્થિતિ સર્જાઈ છે.