પોરબંદર : કોરોના વાઈરસના સંક્રમણને લીધે લોકડાઉનમાં વાહન વ્યવહાર બંધ હોવાથી પોરબંદર જિલ્લામાં મજૂરી કરવા આવેલા અને રોજે રોજનું રળીને ગુજરાન ચલાવતા અંદાજે 1500 મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને અનુસરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિ:સહાય પરિવારો સાથેના આ મજૂરોને ST બસ દ્વારા ફૂડ પેકેટ અને અન્ય વ્યવસ્થા કરીને ગોધરા, દાહોદ અને મહારાષ્ટ્રની બોર્ડર તરફના દક્ષિણ ગુજરાતના વિસ્તારોના તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા થતા આ પરિવારોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.
આ અંગે પ્રાંત અધિકારી કે.વી.બાટીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કલેક્ટર ડી.એન મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અને માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવાની અને સાવચેતીની સાથે સાથે બહારના શ્રમીકોને પણ મુશ્કેલી ન પડે તે માટે સેવાકીય કામગીરી હાથ ધરીને મજૂરોને વતનમાં મોકલવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.
પોરબંદર STના સહયોગથી પોરબંદરથી 15 એસ.ટી.બસ તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી 500 મજૂરોની 7 બસ મજૂરના વતન તરફ રવાના કરવામાં આવી હતી. આ તકે તેનું સંકલન પ્રાંત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લાના લાયન્સ ક્લબના હિરલબા જાડેજા અને તેમના સહયોગીઓ દ્વારા શ્રમિકો માટે ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોરબંદરથી મજૂરોને રવાના કરતા પૂર્વે પોરબંદરના 150 જેટલા મજૂરોને સાંદીપની હરિ મંદિર ખાતે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અન્ય રેવન્યુ કર્મચારી અને પોલીસ વિભાગ દ્વારા પણ જરૂરી ફરજ બજાવવામાં આવી હતી.