પોરબંદર : ઉનાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પોરબંદર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કેરીના બગીચાઓમાંથી વધુ ફળ મેળવવાની આશા રાખી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે મોટાભાગની કેરીઓ પવનના કારણે ખરી જતા ખેડૂતોએ સરકાર પાસેથી વળતરની માંગ કરી છે.
તલના વાવેતરને નુકસાન : પોરબંદર જિલ્લામાં હાલ ખેડૂતો તલ, મગ અને ઘાસચારાનું વાવેતર કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદના કારણે પોરબંદર નજીકના રાણાવાવ તાલુકાના વિસ્તારના ખેડૂતોને તલના પાકમાં નુકસાન થયું હતું. હનુમાનગઢ ગામની સિમ વિસ્તારના ખેડૂત અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓએ આઠ વિઘામાં તલનું વાવેતર કર્યું હતું, પરંતુ વાતાવરણમાં પલટાના કારણે અને કમોસમી વરસાદના લીધે પાકમાં નુકસાન થયું છે. આથી સરકાર પાસે સહાયની માંગ કરી છીએ.
આ પણ વાંચો : Kesar Keri : ગીરની કેરીના સોનાના દિવસો, આંતરરાષ્ટ્રીય બજારમાં 3 કિલોના 1400 ભાવ મળતા ખેડૂતોમાં રોનક જોવા મળી
કેરીના ફળને મોટા પાયે અસર : પોરબંદર નજીકના ખંભાળા, હનુમાનગઢ, આશિયાપાટ સહિત અન્ય ગામોમાં કેરીના બાગ આવેલા છે. આ કેરી ગીરની કેરી કરતા પણ વધુ ફેમસ બની છે. મોટાભાગના લોકો આ કેરી ખાવાનું વધુ પસંદ કરે છે. આ કેરી વિદેશમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે હાલ કેરીની સીઝન ચાલુ હોય ત્યારે કેરીના બગીચાના માલિકો ફળના આવકની રાહ જોઈને બેઠા હતા, પરંતુ કમોસમી વરસાદ અને હવામાનમાં પલટાના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે. ત્યારે આશિયાપાટ ગામના કેરીના બગીચાના માલિક દેવશી ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો પર આ પડ્યા પર પાટુ છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી વ્યથા વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા આ બાબતે સહાય કરવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યારે ગામના સરપંચ દુલાભાઈ સામતે જણાવ્યું હતું કે, મોટાભાગના કેરીના બાગ અહીં આવેલા છે. કેરીના ફાલમાં મોટા પાયે નુકસાન થયું છે.
આ પણ વાંચો : Gujarat Weather: કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન
શું કહે છે અધિકારીઓ : પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારી એ.જે. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 26 એપ્રિલના રોજ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને પોરબંદર જિલ્લાના તાલુકા કક્ષાએ સર્વે કરવામાં આવ્યું છે. સર્વે અનુસાર પાકની પરિસ્થિતિ સારી છે. બાજરી, મગ, ઘાસચારો મોટાપાયે વાવેતર થતું હોય છે, પરંતુ આ વાવેતરમાં કમોસમી વરસાદના કારણે કોઈ નુકસાન નથી થયું. આ ઉપરાંત બાગાયતી વિભાગના એ. આર. લાડુમોરે જણાવ્યું હતું કે, કેરીના બાગ બગીચાનો સર્વે બાગાયતી વિભાગમાં આવે છે. ત્યારે તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે મુજબ પોરબંદરના ખંભાળા, હનુમાનગઢમાં કેરીના પાકને 33 ટકાથી વધુ નુકસાન નથી. આથી 33 ટકાથી વધુ નુકસાન હોય તો જ વળતર ચૂકવવામાં આવે છે.