- શહેરભરમાં માર્ગ સલામતી અંગે ટેમ્પલેટ વિતરણ તથા બેનરો લગાવાશે
- લોકો માર્ગ સલામતિ વિશે વધુ જાગૃત થાય તે માટે એક માસ સુધી કાર્યક્રમ યોજાશે
- સ્કૂલ-કોલેજોમાં અને સામાન્ય લોકોને પોલીસ અને જેસીઆઈ માહિતી અપાશે
પોરબંદર: અગાઉ વિવિધ શહેરોમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થતી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદર જિલ્લા કલેકટર ડી એન મોદી તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિકારી રવિ મોહન સૈની તથા જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણી ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે ટ્રાફિક જવાનો કામગિરી કરશે. આ ઉપરાંત પોરબંદરની JCI સંસ્થા દ્વારા સ્કૂલ તથા કોલેજોમાં જઈને બાળકોને પણ આ અંગે વિવિધ સ્પર્ધાઓ દ્વારા જાગૃત કરવામાં આવશે. આ સાથે શહેરમાં ટેમ્પ્લેટ વિતરણ અને બેનરો પણ લગાડવામાં આવશે.