પોરબંદર : પોરબંદર જિલ્લાના આસપાસ બરડાનું જંગલ આવેલ છે. જેમાં અનેક દીપડા વસવાટ કરતા હોય આજે સાંજે વાડી પ્લોટ વિસ્તારમાં એક મકાનની દીવાલ પર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ફોરેસ્ટની ટીમ દોડી ગઈ હતી.
પશુઓનું મારણ : સવારે કડીયા પ્લોટ વિસ્તારમાં દેખાયો હતો, દીપડો પોરબંદર શહેરમાં છેલ્લા પંદર દિવસથી દીપડો પશુઓના મારણ કરી રહ્યો છે ત્યારે લોકોમાં ભય છવાયો છે, પંદર દિવસ પહેલા ઍરપોર્ટ પાસે દીપડો દેખાયો હતો ત્યાર બાદ માધવાણી કોલેજ પાસે આવેલ વાડીમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે આ સ્થળે પાંજરુ મૂક્યું હતું. જોકે દીપડાને પકડવાનો વન વિભાગનો પ્રયાસ વિફળ રહ્યો હતો.
ફોરેસ્ટ વિભાગને જાણ કરી : ત્યાર બાદ આજે સવારે આંબેડકર ભવન પાસે કડીયા પ્લોટ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. જ્યારે સાંજે 9.30 કલાક આસપાસ ખાસ જેલ પાસે વાડી પ્લોટમાં આવેલ એક મકાનની વંડી પર બેસેલ દેખાતા લોકોએ વિડીઓ ઉતારી લીધો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
અમે 9: 30 કલાક દરમ્યાનના સમયમાં દીપડો વંડી પર જોયો હતો ને ઘર બંધ કરી તમામ લોકો બહાર નીકળી ગયા હતાં અને ફોરેસ્ટને જાણ કરી હતી...ભરતભાઈ મદલાણી(પ્રત્યક્ષદર્શી )
વન વિભાગની ટીમ તત્કાલિક દોડી ગઈ : પોરબંદરમાં વાડી પ્લોટ વિસ્તારમાં દીપડો દેખાયાની માહિતી મળતા વન વિભાગની ટીમ તરત જ ત્યાં દોડી ગઈ હતી અને હાલ દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા એક પાંજરું મુકવામાં આવ્યું છે. લોકોના ટોળા ભેગા થતા દીપડો બહાર ન નીકળે પરંતુ શાંત વાતાવરણમાં હિલચાલ કરે તેવી આશંકા વનવિભાગના અધિકારી એસ.ભમ્મરે વ્યકત કરી હતી. તેમની ટિમ તથા ફોરેસ્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહિત ની ટીમ દીપડાને પકડવાની કામગીરીમાં જોડાઇ છે.