પોરબંદર : તાજેતરમાં પડેલ વરસાદે ઘેડ વિસ્તારમાં તારાજી સર્જી છે. ત્યારવા ઘેડ વિસ્તારમાં નીકળતી ઓઝત નદીના પાળા તૂટતા અનેક વિસ્તારોમાં આવેલ ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના ઘેડ વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત લઈ નુકસાની અંગે ખેડૂતો પાસેથી સચોટ માહિતી મેળવી હતી. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ આ અંગે સરકારને રજૂઆત કરશે.
ઘેડ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. કેશોદ, માંગરોળ સહિતના ગામોમાંથી ઓઝત નદી પસાર થાય છે, પરંતુ 12 કિમિ સુધી નદી સાંકડી અને છીછરી હોવાથી નદીનો પ્રવાહ યોગ્ય થતો નથી. 12 કિમિના ગાળા ાં નદીને પહોળી અને ઊંડી કરવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે તેમ છે. જ્યારે પાણીની જરૂર હોય ત્યારે ખેડૂતોને પાણી નથી મળતું. આથી આસપાસના ગામોમાં તળાવ બાંધવામાં આવે તો યોગ્ય સમયે ખેડૂતોને પાણી મળી રહે...અર્જુન મોઢવાડિયા(પોરબંદર ધારાસભ્ય )
ખેડૂતોને મોટા પાયે નુકશાન : ઘેડ વિસ્તારમાં પાણીની આફતથી ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. ઉપરાંત ધોવાણના કારણે મકાન અને બાગાયતી પાકને પણ નુકશાન થયું છે. આ સમગ્ર નુકસાન અંગે રાજ્ય સરકાર પાસે ખેડૂતોના નુકસાની અંગેના વળતરની માંગ ગુજરાત કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ કરશે.
20 દિવસની કેશડોલ ચુકવવા માંગ : નદીના પ્રવાહમાં આવેલ પાણીએ તારાજી સર્જી છે. જેમાં નદીના પાળા તુંટી ગયા હતા તેને તાત્કાલિક રીપેર કરવાની કામગીરી ખેડૂતોએ પોતાના ખર્ચે કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને 20 દિવસ સુધી કોઈ કામ ન થયું હોય આથી આ અંગેની કેશ ડોલ આપવાની માંગ પણ કોંગ્રેસ સરકાર પાસે કરશે.
ક્યાં ક્યાં લીધી મુલાકાત : ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સાથે જૂનાગઢ જિલ્લાના બમણાસા (ઘેડ) તથા બાલાગામ (તા.કેશોદ) , આંબલીયા તથા પાદરડી (તા. માણાવદર),ઓસો,ફૂલરામા તથા બગસરા (તા.માંગરોળ) અને પોરબંદર જિલ્લાના કડેગી, અમીપુર પૂરગ્રસ્ત વિસ્તારો અને અમીપુર ડેમની મુલાકાત લીધી હતી.
ખેડૂતોએ શું કહ્યું : ખેડૂત આગેવાનોએ બામણાસા થી બાલાગામ સુધીની ૧૨ કી.મી લંબાઈમાં ઓઝત નદીને તાકીદે ઊંડી - પહોળી કરવા તથા બાકીની નદીઓ અને કેનાલોનેં ઉંડી-પહોળી અને રીમોડેલ કરવા,જ્યાં શક્ય બને ત્યાં તળાવો બાંધવા, મિયાણી - પોરબંદર - માધવપુર - આદ્રી સુધીની કૉસ્ટલ કેનાલની મિસીંગ લિંકનું કામ કરવા, ખેડૂતના ખેતરો, બાગ બગીચા તથા પાકને થયેલ નુકશાન પેટે વળતર આપવા અને મજૂર વર્ગને કેશ ડોલ્સ અને મકાનોને થયેલ નુકશાન પેટે વળતર ચૂકવવાની રજૂઆતો કરી હતી.
સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઘેડ વિસ્તારની પ્રજાજનોનો પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે પ્રતિનિધિ મંડળમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા અને બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતાં.