પોરબંદર: શહેરના ના વોર્ડ નંબર 2 ખાપટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે ત્યારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી ન થતાં લોકોમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે. આ અંગે નગરપાલિકાના કાઉન્સિલર લક્ષ્મણ ભાઇ અને મહેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અનેક લોકો અમને રજૂઆત કરે છે. બે મહિના પહેલા અમે પણ નગરપાલિકામાં ભરતી બાબતે અરજી કરેલ હતી પરંતુ હજુ કોઈ કામ નથી થતું ત્યારે લોકોને અમારે શું જવાબ આપવો તે મુશ્કેલી ઉભી થઇ છે.
અનેક સ્થળોએ પાણી ભરાયા: વર્ષ 2015 થી ખાપટ વિસ્તાર પોરબંદર નગરપાલિકામાં મળ્યો હતો ત્યારે આ વિસ્તારમાં 20 હજારથી પણ વધુ લોકો વસવાટ કરે છે. ભૂગર્ભ ગટરની કામગીરીનો મામલો કોર્ટમાં હતો તેનું સોલ્યુશન બે વર્ષે આવ્યું હતું ત્યારબાદ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજી આ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તેથી લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ વિસ્તારમાં મોટાભાગે ખરાબા હોવાથી તેમાં પાણી ભરાય છે અને અદાણીની ગેસ લાઈનનું કામ ચાલુ હતું તે યોગ્ય રીતે ન થતું હોવાથી કામ રોકાવવામાં આવ્યું છે.
ચીફ ઓફિસરનું નિવેદન: આ સમગ્ર બાબતે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસે મીડિયાને જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ખાપટ વિસ્તારમાં હાલ ડ્રેનેજનું કામ ચાલુ છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તેમાં મટીરીયલ ભરતી બાબતે આદેશ કરવામાં આવ્યો છે. ભરતી આવતાની સાથે જ આ કામ શરૂ થઈ જાય છે. અગાઉ આ અંગે રજૂઆત કરી હતી પરંતુ એક જુલાઈથી જ ચીફ ઓફિસરનો ચાર્જ લીધો હોવાથી આજે મારી પાસે પ્રથમ વખત આ રજૂઆત આવી છે.