પોરબંદર: ચોમાસામાં ગામમાં પડતા વરસાદનું પાણી ગામમાંજ સંગ્રહ થાય તે માટે મનરેગાના કામો ચાલુ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધાનાણીના માર્ગદર્શન હેઠળ મનરેગાના કામો હાલની સ્થિતિમાં સોસિયલ ડિસ્ટન્સ, મોઢા પર માસ્ક અને જરૂરી તકેદારી રાખી ચાલુ કરવામાં આવ્યા છે.
કુતિયાણા તાલુકા વિકાસ અધિકારી જે.આર.ભેડાએ જણાવ્યું હતું કે, કુતિયાણા તાલુકામાં કાસાબળ, હેલાબેલી અને રામનગર અને હાલ થેપડા ગામમાં સીમ તળ વિસ્તારમાં પાણીનો ચોમાસામાં આવરો રહે છે. તેવા લોકેશનોને શોધીને ગામના તળાવો ગામનાજ નોંધાયેલા શ્રમિકો દ્વારા મનરેગા હેઠળ ઊંડા ઉતારવામાં આવી રહ્યાં છે. મનરેગાનું કામ શરૂ થવાથી શ્રમિકોને રોજગારી મળી રહી છે. હાલના નિયમ મુજબ પ્રતિદિન શ્રમજીવીઓને રૂ.224ની રોજગારી આપવામાં આવે છે.