પોરબંદર: નવજાત બાળકનો ઉછેર અને જમીનના ઉભા પાકની માવજત કરવી એ બંનેમાં એક રીતે ઘણું સામ્ય છે. બંને માટે રાત દિવસ જોયા વગર સતત પરિશ્રમ કરવો પડે છે. બન્નેનો કાળજીપૂર્વક ઉછેર કરવો પડે છે.
ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી મોટાભાગના ગામડાઓમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગુજરાતના ખેડૂતો સધ્ધર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે. ગામનું પાણી ગામમાં અને સીમનુ પાણી સીમમા સચવાય રહે તે માટે સૂજલામ સૂફલામ જળ અભિયાન દ્વારા તળાવો ઉંડા કરવામાં આવે છે. ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ખેતીના સાધનોની ખરીદી માટે સબસીડી પણ આપવામાં આવે છે.
ફક્ત બે ચોપડી ભણેલા સામતભાઇ કહે છે કે, "દૂરદર્શન, ડીડી કિશાન ચેનલ પર આવતા કૃષિલક્ષી કાર્યક્રમો જોઇને મને કંઈક નવુ કરવાની પ્રેરણા મળી. મારી પાસે 15 વિઘા જમીન છે. તેમાં પરંપરાગત ખેતીની સાથે સાથે આધુનિક ખેતી કરવાનો વિચાર મને વલસાડ સુધી ખેંચી ગયો. વલસાડથી રૂ. 3500 લેખે 40 રોપા લઇ આવ્યો, જેમાં બાગાયત ખાતા દ્વારા સહાયકીય યોજના રૂપે એક રોપાદીઠ રૂ.1250 અને એક રોપાની મજૂરી રૂ. 160 લેખે એમ કુલ રૂ.56 હજાર જેટલી સહાય મળી."
પ્રગતિશીલ ખેડૂતે વધુમાં જણાવ્યું કે, “વાવેતરના 2 વર્ષ બાદ આ પ્રથમ વર્ષે દરરોજ 150 કિલો જેટલી ખારેક ઉતરે છે. 3 થી 4 વર્ષમાં ઉત્પાદન વધતુ જાય છે, વર્ષમા દોઢ મહિનો સતત ફળ આપે છે. ખારેકના છોડ અંદાજે 70 વર્ષ સુધી ફળ આપે છે. દરેક ખેડૂતે પરંપરાગત ખેતીની સાથે સાથે આધુનિક ખેતી કરવી જોઇએ.”
બે વિઘામાં ખારેક અને ડ્રેગનફ્રૂટ ઉપરાંત અન્ય 13 વિઘા જમીનમાં મગફળી સહિતના પાકનું વાવેતર કરનાર સામતભાઇના ખેતીના આધુનિક પ્રયોગો અન્ય પ્રગતિશીલ ખેડૂતોને પણ પોતાની જમીનમાં કઇક નવુ વાવેતર કરવાની પ્રેરણા પૂરી પાડે છે.