પોરબંદર : સમગ્ર બાબતે પોરબંદરના ડીવાયએસપી ઋતુ રાબાએ મંગળવારે માધ્યમો સમક્ષ માહિતી આપતાં જણાવ્યું હતું કે પોરબંદરના એમજી રોડ પર આવેલ ભવ્ય ટાવરમાં ક્રિષ્ના ટ્યુશન ક્લાસીસ ચાલે છે. જેના સંચાલક મેરામણ દેવા જાદવ નામના શખ્સે તેના જ ટ્યુશન ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીને એકાઉન્ટ વિષયમાં ડાઉટ હોવાથી એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ માટે બોલાવી હતી અને શારીરિક અડપલાં કર્યાં હતાં.
માતાએ ફરિયાદ નોંધાવી : શિક્ષકે વિદ્યાર્થિનીને ભણાવતા શારીરિક બેડ ટચ કર્યાની વાત વિદ્યાર્થિનીએ તેની માતાને જણાવ્યું હતું. જેથી માતાએ પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ટ્યુશન શિક્ષક મેરામણ જાદવની અટકાયત કરી તેની સામે પોકસો સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અગાઉ વિદ્યાર્થીની ઓ સાથે કોઈ પ્રકારની ઘટના બની છે કે નહીં તે અંગે આગળની તપાસમાં બહાર આવશે. આ ઉપરાંત ક્યારેય પણ કોઈ વિદ્યાર્થિની સાથે આ પ્રકારની ઘટના બને તો વિદ્યાર્થિનીઓએ ડર રાખ્યા વગર પોલીસને જાણ કરવી. -ઋતુ રાબા, સિટી ડીવાયએસપી
15 દિવસ પહેલાં બની ઘટના : 15 દિવસ અગાઉ રવિવારે ધોરણ 11માં અભ્યાસ કરતી એક સગીરા રેગ્યુલર કલાસમાં 11.30થી 12.30 સમયે બેઠી હતી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ પણ હતાં. એકાઉન્ટ વિષયમાં સગીરાને ડાઉટ હોવાથી તેને 12.30 થી 1.30 એકસ્ટ્રા કલાસમાં બોલાવી ભણાવતાં ભણાવતાં મેરામણે શારીરિક અડપલાં તેમ ફરિયાદમાં જણાવાયું છે. ટ્યુશન શિક્ષક મેરામણ જાદવ વિરૂદ્ધ આઈપીસી 354 ,506(2)કલમ મુજબ પોકસો હેઠળ ગુનો નોંધાયો છે. આ શિક્ષક દ્વારા આ અગાઉ કોઈ વિદ્યાર્થિની સાથે આવો કોઇ બનાવ બન્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.