પોરબંદર : પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા આફરીન અસગર કાદરી નામના એક શખ્સે બે સગીરાઓને એક અવાવરું જગ્યાએ લઈ જઈ તેમાની એક સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આ શખ્સ બંને સગીરાઓ ટ્યુશનમાં જઈ રહી હતી ત્યારે તેમને ચાલો તમારી માતા બીમાર છે તેમની પાસે તમને લઈ જવાની છે તેમ કહી બાઈકમાં બેસાડી બાદમાં પોતાની પાસે છરી હોવાનું જણાવી મોતની ધમકી આપી અજાણી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
માતા પાસે લઇ જવાનું કહી સગીરાઓનું અપહરણ : ડીવાયએસપી સુરજીત મહેડુના જણાવ્યા અનુસાર રાણાવાવમાં રહેતા એક વ્યક્તિએ પોતાની દીકરીઓ પર તેમને છરીની ધમકી આપી શહેરની સ્વામિનારાયણ સ્કૂલ પાસેથી અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર બંને દીકરી સ્વામિનારાયણ સ્કૂલ પાસે ટ્યુશનમાં જઈ રહી હતી ત્યારે આરોપી આફરીન અસગર કાદરીએ તેમની પાસે બાઈક લઈને આવીને જણાવ્યું હતું કે ચાલો, તમને તમારી માતા પાસે લઈ જાઉં છું. આમ કહી બંને સગીરાને પોતાની બાઈકમાં બેસાડી હતી.
બાઈક પર બેઠા પછી તેણે કોઈ અજાણ્યો જ રસ્તો જોતાં બંને સગીરાઓએ પોતાને ક્યાં લઈ જવામાં આવી રહી છે તેમ પૂછતા આરોપીએ કહ્યું હતું કે ચૂપચાપ બેઠી રહો, મારી પાસે છરી છે, મારી દઈશ. આથી બંને બાળાઓ બાઈક પાછળ બેઠી રહી હતી અને ડરી ગયેલી આ બંને સગીરાઓને તે એક અજાણી અને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં આરોપીએ તેમાંની એક સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે બંને દીકરીના પિતા એવા રાણાવાવના એક આધેડે રાણાવાવ પોલીસમાં ફરિયાદ જાહેર કરતા પીએસઆઇ પી ડી જાદવે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટેની કવાયત કરી રહી છે... સુરજીત મહેડુ ( ડીવાયએસપી )
લોકો આવી જતાં આરોપી નાસી ગયો : બનાવવાળી જગ્યાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરાઇ રહ્યું હતું ત્યારે ખૂબ જ ડરી ગયેલી બીજી સગીરા કશું જ કરી શકી ન હતી. મળતી વિગતો અનુસાર આ બનાવ વખતે કેટલાક લોકો બાજુમાંથી આવી જતા આરોપી તે લોકોને જોઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસની અપીલ : રાણાવાવનો આ કિસ્સો તરુણીઓ માટે સાવધાની સૂચવતો કિસ્સો છે. કોઈપણ વ્યક્તિ આવીને પોતાને લિફ્ટ આપવાનું કે કોઈ જગ્યાએ લઈ જવાનું કહે તો બેસી જવું જોઈએ નહીં. એટલું જ નહીં, માવતરો માટે પણ આ કિસ્સો એક સબક સમાન છે. અજાણી વ્યક્તિનો ભરોસો ક્યારેય ન કરવા પોલીસે અપીલ કરી હતી.