પોરબંદર: તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રામદેવ મોઢવાડિયાએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ 2017-18ના ઓડિટ દરમિયાન રાજ્ય સરકારના વિભાગો, વાર્ષિક વાઉચરો તેમજ શાળાઓના હાજરી પત્રકની ચકાસણી કરવાના સમયપત્રક મુજબ મંજૂર થયેલા મહેકમથી 321 જેટલા વધુ કર્મચારીઓની ભરતી કરી હતી. જેમને પગાર પેટે 1,34,41,141 ચૂકવવામાં આવ્યા હતા.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ 2010થી પાલિકાના મહેકમ લઘુતમ માળખું તેમજ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વધારેની જગ્યા ભરવા માટે નગરપાલિકા નિયામકની પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે, પરંતુ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ 321 જેટલા રોજમદાર કર્મચારીઓની ભરતી કરવા નગરપાલિકા નિયામકની મંજૂરી મેળવી નથી.
વિરોધ પક્ષના નેતા રામદેવ મોઢવાડિયાએ મુખ્યપ્રધાન પાસે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા અને તેની તપાસ કરવાની માગણી કરી છે. આ સાથે જ તેમણે કસૂવાર અધિકારીઓ પાસેથી રેવન્યુ રાહે વસુલાત કરવા અને આ ગેરકાયદેસર રોજમદાર ભરતી અને નાણાકીય ઉચાપતમાં ફોજદારી ગુનો દાખલ કરવા અંગે જણાવ્યું છે.