પોરબંદર: જિલ્લામાંથી દારૂ નેસ્તનાબૂદ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશ લેવા માટે પોરબંદર પોલીસ પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બરડા ડુંગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્રણ જેટલી દેશી દારૂની ભઠ્ઠી શોધી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ત્રણ સ્થળોએ રેડ: પોરબંદર પોલીસ વિભાગના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અલગ અલગ ત્રણ સ્થળોએ રેડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાઈ હતી. પોલીસે દારૂના જથ્થાનો નાશ કરી ભઠ્ઠીઓના માલિકોને પકડવાની કામગીરી હાથ ધરી છે.
બરડા ડુંગરમાંથી ભાવેશ નારણ રબારી રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લિટર 1000 તથા દારૂ બનાવવાનો આથો લીટર 4000 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 39,600નો મુદ્દામાલ મળી આવ્યો છે. જ્યારે અન્ય બીજી એક ભઠ્ઠી જે કનુ ઢુલાભાઈ રબારી વીજફાળીયા નેસ તાલુકો રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો 600 લીટર તથા ભઠ્ઠીના સાધનો, આ ઉપરાંત ભરત બાધાભાઈ રબારીની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લીટર 600 તથા કિંમત 2,800 નો મુદ્દામાલ મળી આવ્યો છે.