પોરબંદરઃ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગત 31-1ના રોજ દરિયામાં પેટ્રોલિંગ દરમ્યાન બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અનીલ ગગજી ગોહેલની માલિકીની મધુરમ બોટનું ચેકિંગ કરતા તેમાં રજીસ્ટ્રેશન નંબરમાં GJ 11 MO 2151 લખાયેલ હતું બહાર આવ્યું હતું.
ફિશરીઝ વિભાગે બોટ માલિકને લેખિત નોટીસ આપી અને જણાવ્યું હતું કે, તેમણે ફિશરીઝ કચેરી ખાતે રજીસ્ટ્રેશન થયેલ તેની માલિકીની બોટના રજીસ્ટ્રેશન નંબર અને લાયસન્સ નંબરને બંધનકર્તા રહી માછીમારી કરવાની હોય છે, પરંતુ ખોટા નંબર લખી અને બોટ માલિક દ્વારા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ–2003ની કલમ 8 (ગ) (3) (છ) તેમજ કલમ 9 (ઘ) (4) મુજબની શરતો તથા બોલીઓનો ભંગ કરેલો છે. જેથી બોટ માલિક અનિલભાઈ ગોહેલને ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો–2003ની કલમ 21 (1) (ચ) મુજબ લાયસન્સ) ફ્રીની 6 ગણી રકમ રૂપિયા. 3000/-ના દંડની શિક્ષા કરવામાં આવી છે.
આ દંડની રકમ ફિશરીઝ કચેરી ખાતે જમા કરાવ્યા બાદ તે બોટને ફિશિંગ પરવાનગી આપવામાં આવશે, તેવું પણ જણાવ્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે અંગેનું સોગંદનામું પણ ફિશરીઝ કચેરી ખાતે રજૂ કરવા જણાવ્યું હતું.