પોરબંદર : સ્વામી શિવાનંદ બાબાનો જન્મ તારીખ 8 ઓગસ્ટ 1896ના રોજ સિલહટ (હાલ બાંગ્લાદેશ) માં થયો હતો. હાલ તેમની ઉંમર 127 વર્ષની છે. શિવાનંદજીને 2022માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાબાનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, ઘરમાં અન્નનો દાણો પણ ન હતો. માતા-પિતા ભીખ માંગીને જીવન ગુજારો કરતા હતા. ચાર વર્ષની ઉંમરે માતા પિતાએ ગુરુ ઓમકાર નંદજીને સોંપી દીધા હતા. તેઓ તેમને કાશી (વારાણસી) લઈ ગયા ત્યાં યોગ અને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો હતો.
સૂર્યોદય પહેલા ઉઠી જવાનું વહેલી સવારે એક કલાક યોગ કરવા અને શક્ય હોય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. શુદ્ધ શાકાહારી, તેલ, મીઠું અને મરચું ન હોય તેવું બાફેલું ભોજન લેવું. - શિવાનંદ બાબા
પરિવારના સભ્યોનું ભુખમરાને કારણે મોત થયું : છ વર્ષની ઉંમરે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તે જ દિવસે તેમના બહેન ભૂખમરાના કારણે પ્રાણ ત્યાગ કર્યા હતા. એક મહિનામાં બહેન બાદ માતા અને પિતાનું પણ ભૂખમરાના કારણે મૃત્યુ થઈ ગયું હતું. જેથી તેઓ કાશી પરત જતા રહ્યા હતા. કોઈ પાસેથી પૈસા લેવા નહીં, દાન દક્ષિણા લેવાની નહીં, કોઈ અપેક્ષા રાખવી નહીં, સ્વયં પર નિર્ભર રહીને માનવજાત કલ્યાણ માટે અને રોગીઓ માટે સેવા કરવી એ તેમનો જીવનનો ધ્યેય છે.
કાશીમાં ગુરુ ઓમકારનંદ પાસેથી શિવાનંદબાબાએ શિક્ષણ મેળવ્યા બાદ યોગ અને ધ્યાનમાં નીપુણતા મેળવી ગુરુની આજ્ઞાથી ઈ.સ 1925 માં તેઓ લંડન ગયા હતા. પશ્ચિમ દેશોમાં વૈદિક જીવનશૈલી પ્રસાર કરીને ઈસ 1959 માં તેઓ ભારત પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં તેઓ 50 દેશોની યાત્રા કરી ચૂક્યા છે. જેના થોડા સમય બાદ ગુરુદેવ ઓમકારનંદજીએ શિવાનંદજીને પોતાના આધ્યાત્મિક વારસા તરીકે જાહેર કરીને નશ્વર દેહનો ત્યાગ કર્યો તે પછી સ્વામી શિવાનંદજી ભારતમાં જ રહીને સેવા કાર્યો કરી રહ્યા છે. - ડોક્ટર શર્મિલા સિંહા
હાલ લોકોની સેવા કરે છે : હાલ તેઓ ભગવાન કાશી વિશ્વનાથની ભૂમિ વારાણસીમાં નિવાસ કરે છે અને 127 વર્ષની વયે પણ નિયમિત યોગાભ્યાસ અને યોગ પ્રશિક્ષણ ઉપરાંત રક્તપિતના દર્દીઓની સેવામાં વ્યસ્ત રહે છે. છેલ્લા 50 વર્ષોમાં તેમણે રક્તપિતથી પ્રભાવિત સેકડો રોગીઓની સેવા કરી છે અને ઈચ્છા તણાવ મુક્ત જીવન દ્વારા દીર્ઘાયુ પ્રાપ્ત થઈ શકે તે સિદ્ધાંતનું તે જીવંત ઉદાહરણ છે.