- રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
- ક્રિકેટર જયદેવ ઉનડકટ હતા ઉપસ્થિત
- ડિજિટલ માધ્યમથી પણ નામ નોંધાવી શકાશે
પોરબંદર : પોરબંદર જીલ્લા સેવા સદન-1 સભાખંડ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત રહેલા ક્રિકેટર જયદેવ ઉનડકટ સહિત તાલુકા અને જિલ્લા લેવલના ઓફિસર તથા શ્રેષ્ઠ કોલેજ કેમ્પસ એમ્બેસેડર કલેકટર કચેરી અને પ્રાંત કચેરીમાં ચૂંટણી શાખાની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગનું આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર પાઠવીને કામગીરીને બિરદાવી હતી.
18 વર્ષના દરેક યુવાનોએ મતદારયાદીમાં નામ નોંધાવવું
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. મતદાન કરવું એ આપણી ફરજ છે. જીલ્લા કલેક્ટરે અપીલ કરી હતી કે, 18 વર્ષના દરેક વિદ્યાર્થીઓ તથા યુવાનોએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવું જોઇએ. મામલતદાર કચેરીમાં સંપર્ક કરીને મતદારયાદીમાં નોંધાવી શકાય છે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમથી પણ નામ નોંધાવી શકાય છે.
અધિકારીઓ તથા કર્મચારીઓ હતા ઉપસ્થિત
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આજે યોજાયેલ મતદાતા દિવસની ઉજવણીના પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એન. મોદી તથા અધિક કલેક્ટર રાજેશ તન્ના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.વી બાટી અને મામલતદારો અને અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ અને શિક્ષકો કોલેજના વિદ્યાર્થીઓ એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે આભારવિધિ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંદીપ સોનીએ અને કાર્યક્રમનું સંચાલન શિક્ષક નીરવભાઈ જોશીએ કર્યું હતું.