પોરબંદરઃ ચોમાસુ એટલે માછીમારો માટે ઓફ સિઝન વહાણવટાના ધંધા સાથે જોડાયેલા માછીમારો તથા બોટ માલિકો ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી. આ દરમિયાન બોટના સમારકામ સહિતના અન્ય કામોમાં સમય ગાળે છે, ત્યાર બાદ નાળીયેરી પૂનમના દિવસે બોટને દરિયામાં વહાણવટા માટે લઈ જવાય છે. અષાઢી બીજ પછીના દિવસમાં દરિયાઈ નવું વર્ષ શરૂ થાય છે. જેની શરૂઆતના દિવસને નવા નારોજ તરીકે દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ઉજવણી કરે છે.
વહાણવટાને 365 દિવસ પૂરા થાય છે અને 19 જુલાઈ શનિવારથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. આથી પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયા દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. ખારવા સમાજનો વ્યવસાય આમ તો વહાણવટાનો 365 દિવસ પૂરા થયા બાદ શનિવારથી વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય છે. જેમને ખારવા સમાજ નારોજ કહે છે.
વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયા દેવનું પૂજન કરવામાં આવે છે. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, સમાજના પંચ પટેલ, ટ્રસ્ટીઓ, બોટ એસોસિએશન, પીલાણા એસોસિએશન તેમજ જ્ઞાતિના અન્ય આગેવાનોએ દરિયા દેવને ગુલાબનું પુષ્પ અને દૂધ અને સાકર અર્પણ કરીને દરિયા દેવને એવી પ્રાર્થના કરી હતી કે, દરિયા દેવ ભલે તમે ખારા હોય પણ તમને આ સાકર નો પ્રસાદ ધરીને તેમને પ્રાર્થના કરીએ છીએ કે અમારી રક્ષા કરજો અને ધંધામાં બરકત આપજો.
ખારવા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તિથિ પંચાંગ મુજબ વહાણવટાના 365 દિવસ એટલે કે, વર્ષ ગુરૂકાલે પૂર્ણ થયું અને શનિવારે નવું વર્ષ શરૂ થતું હોય એટલે ખારવા સમાજ દ્વારા દરિયા દેવની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ પણ દરિયાકાંઠે ધૂપ-દીપ કરવા ઉપરાંત દરિયા દેવને ખાંડ અર્પણ કરે છે અને ત્યાર બાદ વહાણવટાનો પ્રારંભ થાય છે. ખારવા સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.
માલમ(કેપ્ટન) વાણોટને આમંત્રણ આપે છે
વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે એ દિવસે વહાણવટાનો વ્યવસાય કરતા અને વહાણના કેપ્ટન(માલમ) ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયા દેવના પૂજન માટે આમંત્રણ આપે છે. સામાજિક આગેવાનોની હાજરીમાં જ દરિયા દેવનું પૂજન કરવામાં આવે છે.
શનિવારેથી કોટવાલ પણ બદલાય છે
વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે. જેમાં એવી પરંપરા રહી છે કે, દરિયા દેવના પૂજન દરમિયાન દરિયાની રેતીમાં કોટવાલની છડી (લાકડી) રાખવામાં આવે છે. આ છડી સમાજના વાણોટ દ્વારા ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ ખારવા સમાજના પંચ પટેલો દ્વારા નવા કોટવાલની નિમણૂંક કરવામાં આવે છે.